દુખિયારા – ૧

વિકટર હ્યુગોની “લા મિઝરેબલ” નું અદભૂત રૂપાંતરણ મૂળશંકર ભટ્ટે ‘વાહ ! અનુવાદ આવો જ હોય’ એવી ઉત્તમ રીતે કર્યું છે. કેટલાક વર્ષો (?) પહેલા દીપક સોલિયાની ક્લાસિક કોલમમાં આના વિવિધ પાસાઓની ફિલસૂફી અને કથા બંને કહેવાઈ છે. જયભાઈએ મસ્ત આર્ટીકલ પણ લખ્યો છે. એટલે મારે એ કસબીઓના કસબ પછી કઈ લખવાનું ના જ હોય એ સ્વાભાવિક છે.
પણ સળંગ કથામાંથી પસાર થયા પછી આ કથાનું એક અનોખું પાસું જડ્યું એ કે આ જો બાળકોને કહીએ તો દર પાંચ મીનીટે એમને હવે શું થશે તેવા રોમાંચક મોડ પર મૂકી શકાય એમ છે.
શાળામાં કહેવાની શરૂઆતના ચારેક દિવસમાં જ વાર્તાની આ પકડ બાળકો પર અનુભવી તો થયું કે આ હું જેમ કહું છું એમ લખું ! કદાચ કોઈક એ વાંચીને બીજા બાળકોને કહે અને એનાથી એ બાળકોને મૂળ નવલ વાંચવાની ઈચ્છા થાય !
માફીનામું : મેં આ વાર્તા પહેલા ધોરણના ટાબરિયા થી લઇ આઠમા ધોરણના તરૂણો – બંને પક્ષનો રસ જળવાઈ રહે અને પાંચ મિનીટ રોજ કહેવાની અને એમાં કોઈક ટ્વિસ્ટ પર એમને મુકવાના ! એવું નક્કી થયું તો કદાચ મૂળ વાર્તા અને આ વાર્તામાં કંઈપણ બદલાયેલું લાગી શકે. ઉપરાંત મને વિગતો ક્યારેય યાદ નથી રહી – એટલે કેટલાક સ્થળ-કાળ બદલાયા હોય તો એ ‘અક્ષમ્ય’ કૃતિ સંદર્ભે છે પણ મારા બાળકોને ધ્યાનમાં રાખું તો એ ક્ષમ્ય ગણાય તેવું મને લાગે છે !
Image Source https://en.wikipedia.org/wiki/Les_Mis%C3%A9rables

દુખિયારા – ૧
આ વાર્તા ફ્રાંસ નામના દેશની છે. તમારામાંથી ઘણાએ આ દેશનું નામ સાંભળ્યું હશે. એમાં એક જીન વાલજીન નામનો માણસ રહેતો. એના ઘરમાં એ પોતે અને તેની એક વિધવા બહેન પોતાના બાળકો સાથે રહેતી. જીન વાલજીન આખો દિવસ સખત મજૂરી કરી તેમના માટે ભોજન કમાઈ લાવતો. જીન વાલજીન પોતે સશકત – આમ ખડતલ અને એને બધા કામોમાં ફાવટ પણ ખરી છતાં જે દિવસે એને ક્યાય કામ ના મળે ત્યારે તેને, તેની બહેન અને બાળકોને ભૂખ્યા સુઈ જવું પડે !
આવો જ એક કપરો સમય આવ્યો કે સળંગ બે-ત્રણ દિવસ સુધી તેને કોઈ કામ ના મળ્યું અને તે પોતાની બહેનના બાળકોને ભૂખ્યા જોઈ શક્યો નહિ ! તે કોઈક જગ્યાએ કામ મળી જાય તો કામના બદલામાં કૈક ખાવાનું મેળવવા ગામમાં નીકળી પડ્યો. ઘણા દરવાજે ગયો, પૂછ્યું તમારે ઘરમાં કઈ કામકાજ હોય તો કહો હું કરી દઉં.. બદલામાં મારે કઈ પૈસા નથી જોઈતા મને બસ થોડું ખાવાનું આપજો. ઘરે મારી બહેન અને તેના બાળકો ભૂખ્યા છે. પણ તે દિવસ તેની આ લાગણી જાણે એ ગામના કોઈ માણસના કાને અથડાઈ જ નહિ. આખું ગામ જાણે એની આ વાતને બહેરા ની જેમ સાંભળી શક્યું નહિ. ખુબ થાકેલો અને પોતાની બહેનના બાળકોની ભૂખ ને યાદ કરતો કરતો જીન વાલજીન ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં તેને એક મકાનની કાચની બારીની અંદર રોટલીઓનો થપ્પો દેખાયો. એ જોઈ એ થંભી ગયો. તેને એ દરવાજો ખખડાવ્યો અને કોઈ કામ આપવા વિનતી કરી. કામના બદલામાં થોડીક ચાર-પાંચ રોટલી આપશો તોય ચાલશે એવું કહ્યું.. પણ ના ! દરવાજો તો ધડ દઈને બંધ કરી દેવાયો. તે ઘસડાતા પગે બહાર આવ્યો.. પણ તેની નજર પેલી રોટલીઓ પર ચોટી ગઈ.. તેણે હળવેથી કાચ તોડી તેમાંથી હાથમાં આવે એટલી રોટલીઓ લઇ લીધી. પણ કાચ ફૂટવાના અવાજથી ઘરના માણસો ત્યાં દોડી આવ્યા અને તેમને જીન વાલજીનને પકડી પડ્યો. જીન વાલજીન કરગર્યો કે તેને આ રોટલીઓ તેના બહેન અને બાળકોને આપી આવવા દો. તેઓ ખુબ ભૂખ્યા છે. પછી તમે મને સજા કરજો અથવા પોલીસને સોપી દેજો.

[ હવે ઘરનો માલિક શું કરશે ? જીન વાલજીન ને છોડી દેશે ? પોલીસને બોલાવશે ? ] 

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments