દુખિયારા - ક્લાસિક ફોર એવરી વન !

આજે શાળામાં સવારે પાંચ મિનીટ "દુખિયારા" ને મારા રંગ ઉમેરી કહી. પાંચ મીનીટમાં તો એ ક્લાસિક કથાનો જાદૂ એવો છવાયો કે વાર્તા હમણા જ પૂરી કરો.
કહ્યું કે "આ તો લાંબીઈઇ વારતા છે ! હું રોજ સાંજે છૂટતી વખતે દસ મિનીટ કહીશ તોય બે મહિના થાય એવડી !" બધી આંખો વાર્તાની લાંબા હોવાની આ વ્યાખ્યાના આશ્ચર્યમાં અને હાશ હવે રોજ વાર્તા મળવાની એ ખુશીમાં મને જાણે કે પી ગઈ !
મને ય મોજ પડી તો કહ્યું કે "આજે વાર્તા અડધો કલાક -- સાડા ચાર વાગ્યાથી શરૂ !"
બપોરે વળી નક્કી થયું કે આપણે ગામમાં જઈએ અને આપણા બીજા દોસ્તારોને બોલાવી લાવીએ !
ગામમાં ગયા, ફળીયે ફળીયે - ઘેર ઘેર ! ઘરે "હજુ કાલે જઈશું !" ના ભાવમાં અટકી પડેલા પંદરેક વિદ્યાર્થીઓને લઇ શાળામાં પહોચ્યા !
હવે, એક સવાલ સૌથી વધુ પૂછાયો તે એ કે "કેટલા વાગ્યા?"
સાડા ચાર ને બદલે સવા ચાર વાગ્યે વિક્ટર હ્યુગો ની લા મિઝરેબલ કહેવાની શરૂ કરી !
પહેલા - બીજા વાળા ટાબરિયા પૈકી થોડાક ને બાદ કરીએ તો બાકીના તમામની આંખોમાં મને જીન વાલજીન પ્રત્યેની કરુણા છલકતી દેખાઈ !
બરાબર મોડ પર "હવે જીન વાલજીન એ રકાબીઓ અને દિવેટની ચોરી કરશે કે નહિ ! એ આપણે જોઈશું આવતીકાલે સાંજે છૂટતી વખતે !"
કહેવાની જરૂર છે કે એમનો એક જ સૂર હતો "એટલું જ કહી દો બાકીની વાર્તા કાલે !"
મેં ય ધરાર એમની વાત નથી માની અને વાર્તા કાલ પર ઠેલી છે !
પણ ક્લાસિક કેમ ક્લાસિક છે - તે સૌને એક સરખી રીતે અપીલ કરે છે તે સમજાઈ ગયું !
"એક અવળચંડાઈ એવી ય થાય છે કે રોજ જેટલી વાર્તા કહું - જે રીતે કહું - બાળકો સમજી શકે એ ભાષામાં કહું - એ જો રોજેરોજ અહી ટાઈપ કરું તો ? #ખબર નહિ કે બીજા બધાને મજા પડે કે નહિ !

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments