દુખિયારા -૩ કેદ પૂરી થઇ છે પણ સજા પૂરી નહિ

આખા દીવસની સતત રખડપટ્ટી પછી જીન વાલજીનને એક નગર દેખાયું. તેનામાં હિંમત આવી કે હાશ ! અહી કૈક ખાવાનું મળી જશે.
દિવસ આખો જે માણસ ઝડપભેર માત્ર ચાલ્યો હોય તે કેટલો ભૂખ્યો હોય ! વળી, કડકડતી ઠંડીમાં તો ભૂખ ય વધારે લાગે !
ઈમેજ સોર્સ : ઓલપોસ્ટર.કોમ 

નગરમાં પેશતા જ એને એક વીશી દેખાઈ. વીશી એટલે આપણે અત્યારે હોટેલ કહીએ એમ ત્યાં જમવાનું અને સમય આવ્યે રાત્રે સુવાની વ્યવસ્થા આપે એવી જગ્યા !
ચમકતું બોર્ડ જોઈ જીન વાલજીન અંદર પ્રવેશ્યો.  એક બાજુ દસ-બાર માણસો ટેબલ સામે ખુરશીઓમાં બેસી ને ભોજનની રાહ જોતા ગામ ગપાટા મારતા અને ઠઠ્ઠા મશ્કરી કરતા હતા.
બીજી બાજુ એક મોટા તપેલામાં લગભગ વીસેક માણસોને થાય એટલું ભોજન બની રહ્યું હતું. જીન વાલજીન એ જોયું અને તેને હળવેકથી એ વીશીના માલિકને પૂછ્યું “ભાઈ, જમવાનું મળશે ?”  વીશીનો માલિક ભોજન બનાવતા બનાવતા પોતાના હાથમાંનો તવેથો અટકાવી જીન વાલજીન તરફ જોવા લાગ્યો ! જીન વાલ્જીનનો દીદાર ઓગણીસ વર્ષની ગેલી ની સજા અને  આખા દિવસની રખડપટ્ટી પછી સાવ ભિખારી જેવો થઇ ગયેલો હતો !  પેલો કૈક બોલે એ પહેલા જ જીન વાલજીન બોલી પડ્યો “પૈસા છે મારી પાસે, જુઓ આ રહ્યા !” અને  એ પૈસા જોઇને  વીશીવાળો મલક્યો અને કહ્યું કે “અરે! સાહેબ બેસો, થોડીવાર લાગશે પણ ગરમાગરમ જમાડું !”
જીન વાલજીન પેલા બીજા માણસોથી દુર આવેલા એક ટેબલ પર બેસી ગયો. આખા દિવસની ભૂખ અને થાક હવે તેના પર હાવી થવા લાગ્યા હતા.
વીશીવાળો વારવાર તેની બાજુ જોયા કરતો.
લગભગ અડધો કલાક થયો એટલે વીશીવાળાએ ત્યાં જીન વાલજીનને કહ્યું કે “તમને ભોજન નહિ મળે !” જીન વાલજીન પહેલા તો કઈ સમજ્યો નહિ, ભૂખ અને થાક થી એ પોતાની અડધી વિચારવાની શક્તિ ગુમાવી બેઠો હતો.
પણ પછી સમજતા કહ્યું, “પણ મારી પાસે પૈસા છે ! “
“પૈસા હશે તોય નહિ મળે !”
“કેમ?”
“કેમ? વળી શું ? મારી વીશી છે ! મારે જમાડવું હોય તો જમાડું નહીતર ના જમાડું !”
જીન વાલજીને એને વધુ પૈસા આપવાનું કહ્યું.
ઉલટું પેલો માનસ તો ગુસ્સે થઇ ગયો “ તુ અહી થી નીકળી જા ! તારા જેવા માણસને તો આનાથી દસ ઘણા પૈસા આપું તોય ના જમાડું ! હું તને ઓળખી ગયો છું – તું જ – પેલો- - જીન વાલજીન ને !”
જીન વાલજીનથી હવે એ વીશી વાળાની આંખોમાં જોઈ પણ નહોતું શકાતું !
વીશી વાળાએ ઉગ્ર સ્વરમાં “નીકળી જા, એટલું સારું કહે કે હું પોલીસ નથી બોલાવતો. નહીતર કહી દેત આ માણસ મારા કહ્યા પછી ય વીશીમાંથી બહાર નથી નીકળતો !”
જીન વાલજીન પોતાનો થાક ને ભૂખ બંને લઇ વીશીમાંથી બહાર નીકળી ગયો.
તેને થયું કે “કેદ પૂરી થઇ છે પણ સજા પૂરી નહિ !”

 [ગેલીની સજા ભોગવ્યા પછી ય ના જાણે એને હજુ કેટલા આવા અપમાન સહેવા પડશે ? એ નગરમાં કોઈક એને જમાડશે ? કે ફરી ચોરી કરશે ?]

દુખિયારા-૨

આ પહેલા દુખિયારા ભાગ - ૧ અહી વાંચો : http://gitanshpatel.blogspot.in/2015/12/blog-post_12.html 

જીન વાલજીનની કાકલૂદીની કોઈ જ અસર પેલા ઘરના માલિક પર વર્તાઈ નહિ અને તેમણે પોલીસને બોલાવી લીધી. ઉપરથી આક્ષેપ મુક્યો કે આ ખતરનાક માણસે અમારા ઘર પર બંદૂકથી હુમલો કર્યો અને તે ધડાકામાં અમારો આ કાચ ફૂટી ગયો તે અમારા ઘરમાં ધાડ પાડવા આવ્યો હતો.
જીન વાલજીને પોતાની વાત મુકવાના ઘણા પ્રયાસ કર્યા કે એ સામાન્ય મજુર છે કે એને કોઈ મોટી ધાડ નહોતી પાડવી તે તો માત્ર રોટલી ઈચ્છતો હતો અને તે ય પોતાના બહેનના ભૂખ્યા બાળકો માટે !
અદાલતમાં કેસ ચાલ્યો. સવાલ જવાબ થયા પણ સાચી વાત ના પૂછાઈ અને જીન વાલજીનની સાચી વાત ના સંભળાઈ !
ચુકાદો આવ્યો કે આ માણસને પાંચ વર્ષની ગેલીની સજા આપો.. એ જમાનામાં મોટા મોટા લશ્કરી જહાજ ચલાવવા માટે હલેસા મારનારાઓની જરૂર પડતી એટલે કોર્ટ સજારૂપે આ હલેસા મારવાનું કામ સોપતી. એ સજા ઘણી આકરી ગણાતી. પગ બેડીઓથી જકડી દેવાતા અને કોઈ હલેસા ના મારે એને કોરડાથી મારવામાં આવતા. જો બીજી કોઈ ભૂલ થાય તો જહાજના અંધારા ભંડકિયામાં દિવસો સુધી પૂરી દેવાતા. આવી ગેલી ની સજા સાંભળી જીન વાલજીનને પહેલી ચિંતા બહેન અને તેના બાળકોની થઇ કે તે પાંચ વર્ષે પાછો આવે તો એ બધાને જીવાડશે કોણ ? એમનું ખાવાનું કોણ પૂરું પાડશે ? એ કરગરી ઉઠ્યો કે એ નિર્દોષ છે એને માત્ર રોટલી લીધી હતી ! પણ સજાનો અમલ થયો !
જીન વાલજીન એની સજાની દુનિયામાં થોડા સમયમાં જ માણસમાંથી યંત્ર જેવો બનવા લાગ્યો ! એકવાર બહેન અને બચ્ચાઓની યાદ આવી, હિંમત એકઠી કરી એ કેદખાનામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો પણ એના કમનસીબે એ પકડાઈ ગયો. કેદમાંથી ભાગવાના ગુના માટે તેની સજામાં બીજા પાંચ વર્ષ ઉમેરી દેવાયા. એ ફરી ભાગ્યો અને ફરી સજા લંબાઈ – આમ આ ભાગી છૂટવાના પ્રયાસોથી - અંતે તેની સજા કુલ ઓગણીસ વર્ષની થઇ !
ચાર રોટલી લેવાની સજા ગેલીની ઓગણીસ વર્ષની સજા !
આજે એ છૂટ્યો છે – એક પીળો પરવાનો મળ્યો છે કે આ માણસે પોતાને મળેલ સજા ભોગવી લીધી છે !
પહેલો વિચાર બહેન અને બાળકોનો આવ્યો પણ પછી થયું કે એ તો હવે આ દુનિયામાં હશે કે કેમ ? હવે ક્યાં જાઉં ? શું કરું ?

[જીન વાલજીન કેદમાંથી છૂટી શું કરશે ? ક્યાં જશે ? એ આપણે જોઈશું હવે પછી !] 

દુખિયારા – ૧

વિકટર હ્યુગોની “લા મિઝરેબલ” નું અદભૂત રૂપાંતરણ મૂળશંકર ભટ્ટે ‘વાહ ! અનુવાદ આવો જ હોય’ એવી ઉત્તમ રીતે કર્યું છે. કેટલાક વર્ષો (?) પહેલા દીપક સોલિયાની ક્લાસિક કોલમમાં આના વિવિધ પાસાઓની ફિલસૂફી અને કથા બંને કહેવાઈ છે. જયભાઈએ મસ્ત આર્ટીકલ પણ લખ્યો છે. એટલે મારે એ કસબીઓના કસબ પછી કઈ લખવાનું ના જ હોય એ સ્વાભાવિક છે.
પણ સળંગ કથામાંથી પસાર થયા પછી આ કથાનું એક અનોખું પાસું જડ્યું એ કે આ જો બાળકોને કહીએ તો દર પાંચ મીનીટે એમને હવે શું થશે તેવા રોમાંચક મોડ પર મૂકી શકાય એમ છે.
શાળામાં કહેવાની શરૂઆતના ચારેક દિવસમાં જ વાર્તાની આ પકડ બાળકો પર અનુભવી તો થયું કે આ હું જેમ કહું છું એમ લખું ! કદાચ કોઈક એ વાંચીને બીજા બાળકોને કહે અને એનાથી એ બાળકોને મૂળ નવલ વાંચવાની ઈચ્છા થાય !
માફીનામું : મેં આ વાર્તા પહેલા ધોરણના ટાબરિયા થી લઇ આઠમા ધોરણના તરૂણો – બંને પક્ષનો રસ જળવાઈ રહે અને પાંચ મિનીટ રોજ કહેવાની અને એમાં કોઈક ટ્વિસ્ટ પર એમને મુકવાના ! એવું નક્કી થયું તો કદાચ મૂળ વાર્તા અને આ વાર્તામાં કંઈપણ બદલાયેલું લાગી શકે. ઉપરાંત મને વિગતો ક્યારેય યાદ નથી રહી – એટલે કેટલાક સ્થળ-કાળ બદલાયા હોય તો એ ‘અક્ષમ્ય’ કૃતિ સંદર્ભે છે પણ મારા બાળકોને ધ્યાનમાં રાખું તો એ ક્ષમ્ય ગણાય તેવું મને લાગે છે !
Image Source https://en.wikipedia.org/wiki/Les_Mis%C3%A9rables

દુખિયારા – ૧
આ વાર્તા ફ્રાંસ નામના દેશની છે. તમારામાંથી ઘણાએ આ દેશનું નામ સાંભળ્યું હશે. એમાં એક જીન વાલજીન નામનો માણસ રહેતો. એના ઘરમાં એ પોતે અને તેની એક વિધવા બહેન પોતાના બાળકો સાથે રહેતી. જીન વાલજીન આખો દિવસ સખત મજૂરી કરી તેમના માટે ભોજન કમાઈ લાવતો. જીન વાલજીન પોતે સશકત – આમ ખડતલ અને એને બધા કામોમાં ફાવટ પણ ખરી છતાં જે દિવસે એને ક્યાય કામ ના મળે ત્યારે તેને, તેની બહેન અને બાળકોને ભૂખ્યા સુઈ જવું પડે !
આવો જ એક કપરો સમય આવ્યો કે સળંગ બે-ત્રણ દિવસ સુધી તેને કોઈ કામ ના મળ્યું અને તે પોતાની બહેનના બાળકોને ભૂખ્યા જોઈ શક્યો નહિ ! તે કોઈક જગ્યાએ કામ મળી જાય તો કામના બદલામાં કૈક ખાવાનું મેળવવા ગામમાં નીકળી પડ્યો. ઘણા દરવાજે ગયો, પૂછ્યું તમારે ઘરમાં કઈ કામકાજ હોય તો કહો હું કરી દઉં.. બદલામાં મારે કઈ પૈસા નથી જોઈતા મને બસ થોડું ખાવાનું આપજો. ઘરે મારી બહેન અને તેના બાળકો ભૂખ્યા છે. પણ તે દિવસ તેની આ લાગણી જાણે એ ગામના કોઈ માણસના કાને અથડાઈ જ નહિ. આખું ગામ જાણે એની આ વાતને બહેરા ની જેમ સાંભળી શક્યું નહિ. ખુબ થાકેલો અને પોતાની બહેનના બાળકોની ભૂખ ને યાદ કરતો કરતો જીન વાલજીન ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં તેને એક મકાનની કાચની બારીની અંદર રોટલીઓનો થપ્પો દેખાયો. એ જોઈ એ થંભી ગયો. તેને એ દરવાજો ખખડાવ્યો અને કોઈ કામ આપવા વિનતી કરી. કામના બદલામાં થોડીક ચાર-પાંચ રોટલી આપશો તોય ચાલશે એવું કહ્યું.. પણ ના ! દરવાજો તો ધડ દઈને બંધ કરી દેવાયો. તે ઘસડાતા પગે બહાર આવ્યો.. પણ તેની નજર પેલી રોટલીઓ પર ચોટી ગઈ.. તેણે હળવેથી કાચ તોડી તેમાંથી હાથમાં આવે એટલી રોટલીઓ લઇ લીધી. પણ કાચ ફૂટવાના અવાજથી ઘરના માણસો ત્યાં દોડી આવ્યા અને તેમને જીન વાલજીનને પકડી પડ્યો. જીન વાલજીન કરગર્યો કે તેને આ રોટલીઓ તેના બહેન અને બાળકોને આપી આવવા દો. તેઓ ખુબ ભૂખ્યા છે. પછી તમે મને સજા કરજો અથવા પોલીસને સોપી દેજો.

[ હવે ઘરનો માલિક શું કરશે ? જીન વાલજીન ને છોડી દેશે ? પોલીસને બોલાવશે ? ] 

દુખિયારા - ક્લાસિક ફોર એવરી વન !

આજે શાળામાં સવારે પાંચ મિનીટ "દુખિયારા" ને મારા રંગ ઉમેરી કહી. પાંચ મીનીટમાં તો એ ક્લાસિક કથાનો જાદૂ એવો છવાયો કે વાર્તા હમણા જ પૂરી કરો.
કહ્યું કે "આ તો લાંબીઈઇ વારતા છે ! હું રોજ સાંજે છૂટતી વખતે દસ મિનીટ કહીશ તોય બે મહિના થાય એવડી !" બધી આંખો વાર્તાની લાંબા હોવાની આ વ્યાખ્યાના આશ્ચર્યમાં અને હાશ હવે રોજ વાર્તા મળવાની એ ખુશીમાં મને જાણે કે પી ગઈ !
મને ય મોજ પડી તો કહ્યું કે "આજે વાર્તા અડધો કલાક -- સાડા ચાર વાગ્યાથી શરૂ !"
બપોરે વળી નક્કી થયું કે આપણે ગામમાં જઈએ અને આપણા બીજા દોસ્તારોને બોલાવી લાવીએ !
ગામમાં ગયા, ફળીયે ફળીયે - ઘેર ઘેર ! ઘરે "હજુ કાલે જઈશું !" ના ભાવમાં અટકી પડેલા પંદરેક વિદ્યાર્થીઓને લઇ શાળામાં પહોચ્યા !
હવે, એક સવાલ સૌથી વધુ પૂછાયો તે એ કે "કેટલા વાગ્યા?"
સાડા ચાર ને બદલે સવા ચાર વાગ્યે વિક્ટર હ્યુગો ની લા મિઝરેબલ કહેવાની શરૂ કરી !
પહેલા - બીજા વાળા ટાબરિયા પૈકી થોડાક ને બાદ કરીએ તો બાકીના તમામની આંખોમાં મને જીન વાલજીન પ્રત્યેની કરુણા છલકતી દેખાઈ !
બરાબર મોડ પર "હવે જીન વાલજીન એ રકાબીઓ અને દિવેટની ચોરી કરશે કે નહિ ! એ આપણે જોઈશું આવતીકાલે સાંજે છૂટતી વખતે !"
કહેવાની જરૂર છે કે એમનો એક જ સૂર હતો "એટલું જ કહી દો બાકીની વાર્તા કાલે !"
મેં ય ધરાર એમની વાત નથી માની અને વાર્તા કાલ પર ઠેલી છે !
પણ ક્લાસિક કેમ ક્લાસિક છે - તે સૌને એક સરખી રીતે અપીલ કરે છે તે સમજાઈ ગયું !
"એક અવળચંડાઈ એવી ય થાય છે કે રોજ જેટલી વાર્તા કહું - જે રીતે કહું - બાળકો સમજી શકે એ ભાષામાં કહું - એ જો રોજેરોજ અહી ટાઈપ કરું તો ? #ખબર નહિ કે બીજા બધાને મજા પડે કે નહિ !

posted under , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments