દુખિયારા -૩ કેદ પૂરી થઇ છે પણ સજા પૂરી નહિ

આખા દીવસની સતત રખડપટ્ટી પછી જીન વાલજીનને એક નગર દેખાયું. તેનામાં હિંમત આવી કે હાશ ! અહી કૈક ખાવાનું મળી જશે.
દિવસ આખો જે માણસ ઝડપભેર માત્ર ચાલ્યો હોય તે કેટલો ભૂખ્યો હોય ! વળી, કડકડતી ઠંડીમાં તો ભૂખ ય વધારે લાગે !
ઈમેજ સોર્સ : ઓલપોસ્ટર.કોમ 

નગરમાં પેશતા જ એને એક વીશી દેખાઈ. વીશી એટલે આપણે અત્યારે હોટેલ કહીએ એમ ત્યાં જમવાનું અને સમય આવ્યે રાત્રે સુવાની વ્યવસ્થા આપે એવી જગ્યા !
ચમકતું બોર્ડ જોઈ જીન વાલજીન અંદર પ્રવેશ્યો.  એક બાજુ દસ-બાર માણસો ટેબલ સામે ખુરશીઓમાં બેસી ને ભોજનની રાહ જોતા ગામ ગપાટા મારતા અને ઠઠ્ઠા મશ્કરી કરતા હતા.
બીજી બાજુ એક મોટા તપેલામાં લગભગ વીસેક માણસોને થાય એટલું ભોજન બની રહ્યું હતું. જીન વાલજીન એ જોયું અને તેને હળવેકથી એ વીશીના માલિકને પૂછ્યું “ભાઈ, જમવાનું મળશે ?”  વીશીનો માલિક ભોજન બનાવતા બનાવતા પોતાના હાથમાંનો તવેથો અટકાવી જીન વાલજીન તરફ જોવા લાગ્યો ! જીન વાલ્જીનનો દીદાર ઓગણીસ વર્ષની ગેલી ની સજા અને  આખા દિવસની રખડપટ્ટી પછી સાવ ભિખારી જેવો થઇ ગયેલો હતો !  પેલો કૈક બોલે એ પહેલા જ જીન વાલજીન બોલી પડ્યો “પૈસા છે મારી પાસે, જુઓ આ રહ્યા !” અને  એ પૈસા જોઇને  વીશીવાળો મલક્યો અને કહ્યું કે “અરે! સાહેબ બેસો, થોડીવાર લાગશે પણ ગરમાગરમ જમાડું !”
જીન વાલજીન પેલા બીજા માણસોથી દુર આવેલા એક ટેબલ પર બેસી ગયો. આખા દિવસની ભૂખ અને થાક હવે તેના પર હાવી થવા લાગ્યા હતા.
વીશીવાળો વારવાર તેની બાજુ જોયા કરતો.
લગભગ અડધો કલાક થયો એટલે વીશીવાળાએ ત્યાં જીન વાલજીનને કહ્યું કે “તમને ભોજન નહિ મળે !” જીન વાલજીન પહેલા તો કઈ સમજ્યો નહિ, ભૂખ અને થાક થી એ પોતાની અડધી વિચારવાની શક્તિ ગુમાવી બેઠો હતો.
પણ પછી સમજતા કહ્યું, “પણ મારી પાસે પૈસા છે ! “
“પૈસા હશે તોય નહિ મળે !”
“કેમ?”
“કેમ? વળી શું ? મારી વીશી છે ! મારે જમાડવું હોય તો જમાડું નહીતર ના જમાડું !”
જીન વાલજીને એને વધુ પૈસા આપવાનું કહ્યું.
ઉલટું પેલો માનસ તો ગુસ્સે થઇ ગયો “ તુ અહી થી નીકળી જા ! તારા જેવા માણસને તો આનાથી દસ ઘણા પૈસા આપું તોય ના જમાડું ! હું તને ઓળખી ગયો છું – તું જ – પેલો- - જીન વાલજીન ને !”
જીન વાલજીનથી હવે એ વીશી વાળાની આંખોમાં જોઈ પણ નહોતું શકાતું !
વીશી વાળાએ ઉગ્ર સ્વરમાં “નીકળી જા, એટલું સારું કહે કે હું પોલીસ નથી બોલાવતો. નહીતર કહી દેત આ માણસ મારા કહ્યા પછી ય વીશીમાંથી બહાર નથી નીકળતો !”
જીન વાલજીન પોતાનો થાક ને ભૂખ બંને લઇ વીશીમાંથી બહાર નીકળી ગયો.
તેને થયું કે “કેદ પૂરી થઇ છે પણ સજા પૂરી નહિ !”

 [ગેલીની સજા ભોગવ્યા પછી ય ના જાણે એને હજુ કેટલા આવા અપમાન સહેવા પડશે ? એ નગરમાં કોઈક એને જમાડશે ? કે ફરી ચોરી કરશે ?]

દુખિયારા-૨

આ પહેલા દુખિયારા ભાગ - ૧ અહી વાંચો : http://gitanshpatel.blogspot.in/2015/12/blog-post_12.html 

જીન વાલજીનની કાકલૂદીની કોઈ જ અસર પેલા ઘરના માલિક પર વર્તાઈ નહિ અને તેમણે પોલીસને બોલાવી લીધી. ઉપરથી આક્ષેપ મુક્યો કે આ ખતરનાક માણસે અમારા ઘર પર બંદૂકથી હુમલો કર્યો અને તે ધડાકામાં અમારો આ કાચ ફૂટી ગયો તે અમારા ઘરમાં ધાડ પાડવા આવ્યો હતો.
જીન વાલજીને પોતાની વાત મુકવાના ઘણા પ્રયાસ કર્યા કે એ સામાન્ય મજુર છે કે એને કોઈ મોટી ધાડ નહોતી પાડવી તે તો માત્ર રોટલી ઈચ્છતો હતો અને તે ય પોતાના બહેનના ભૂખ્યા બાળકો માટે !
અદાલતમાં કેસ ચાલ્યો. સવાલ જવાબ થયા પણ સાચી વાત ના પૂછાઈ અને જીન વાલજીનની સાચી વાત ના સંભળાઈ !
ચુકાદો આવ્યો કે આ માણસને પાંચ વર્ષની ગેલીની સજા આપો.. એ જમાનામાં મોટા મોટા લશ્કરી જહાજ ચલાવવા માટે હલેસા મારનારાઓની જરૂર પડતી એટલે કોર્ટ સજારૂપે આ હલેસા મારવાનું કામ સોપતી. એ સજા ઘણી આકરી ગણાતી. પગ બેડીઓથી જકડી દેવાતા અને કોઈ હલેસા ના મારે એને કોરડાથી મારવામાં આવતા. જો બીજી કોઈ ભૂલ થાય તો જહાજના અંધારા ભંડકિયામાં દિવસો સુધી પૂરી દેવાતા. આવી ગેલી ની સજા સાંભળી જીન વાલજીનને પહેલી ચિંતા બહેન અને તેના બાળકોની થઇ કે તે પાંચ વર્ષે પાછો આવે તો એ બધાને જીવાડશે કોણ ? એમનું ખાવાનું કોણ પૂરું પાડશે ? એ કરગરી ઉઠ્યો કે એ નિર્દોષ છે એને માત્ર રોટલી લીધી હતી ! પણ સજાનો અમલ થયો !
જીન વાલજીન એની સજાની દુનિયામાં થોડા સમયમાં જ માણસમાંથી યંત્ર જેવો બનવા લાગ્યો ! એકવાર બહેન અને બચ્ચાઓની યાદ આવી, હિંમત એકઠી કરી એ કેદખાનામાંથી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો પણ એના કમનસીબે એ પકડાઈ ગયો. કેદમાંથી ભાગવાના ગુના માટે તેની સજામાં બીજા પાંચ વર્ષ ઉમેરી દેવાયા. એ ફરી ભાગ્યો અને ફરી સજા લંબાઈ – આમ આ ભાગી છૂટવાના પ્રયાસોથી - અંતે તેની સજા કુલ ઓગણીસ વર્ષની થઇ !
ચાર રોટલી લેવાની સજા ગેલીની ઓગણીસ વર્ષની સજા !
આજે એ છૂટ્યો છે – એક પીળો પરવાનો મળ્યો છે કે આ માણસે પોતાને મળેલ સજા ભોગવી લીધી છે !
પહેલો વિચાર બહેન અને બાળકોનો આવ્યો પણ પછી થયું કે એ તો હવે આ દુનિયામાં હશે કે કેમ ? હવે ક્યાં જાઉં ? શું કરું ?

[જીન વાલજીન કેદમાંથી છૂટી શું કરશે ? ક્યાં જશે ? એ આપણે જોઈશું હવે પછી !] 

દુખિયારા – ૧

વિકટર હ્યુગોની “લા મિઝરેબલ” નું અદભૂત રૂપાંતરણ મૂળશંકર ભટ્ટે ‘વાહ ! અનુવાદ આવો જ હોય’ એવી ઉત્તમ રીતે કર્યું છે. કેટલાક વર્ષો (?) પહેલા દીપક સોલિયાની ક્લાસિક કોલમમાં આના વિવિધ પાસાઓની ફિલસૂફી અને કથા બંને કહેવાઈ છે. જયભાઈએ મસ્ત આર્ટીકલ પણ લખ્યો છે. એટલે મારે એ કસબીઓના કસબ પછી કઈ લખવાનું ના જ હોય એ સ્વાભાવિક છે.
પણ સળંગ કથામાંથી પસાર થયા પછી આ કથાનું એક અનોખું પાસું જડ્યું એ કે આ જો બાળકોને કહીએ તો દર પાંચ મીનીટે એમને હવે શું થશે તેવા રોમાંચક મોડ પર મૂકી શકાય એમ છે.
શાળામાં કહેવાની શરૂઆતના ચારેક દિવસમાં જ વાર્તાની આ પકડ બાળકો પર અનુભવી તો થયું કે આ હું જેમ કહું છું એમ લખું ! કદાચ કોઈક એ વાંચીને બીજા બાળકોને કહે અને એનાથી એ બાળકોને મૂળ નવલ વાંચવાની ઈચ્છા થાય !
માફીનામું : મેં આ વાર્તા પહેલા ધોરણના ટાબરિયા થી લઇ આઠમા ધોરણના તરૂણો – બંને પક્ષનો રસ જળવાઈ રહે અને પાંચ મિનીટ રોજ કહેવાની અને એમાં કોઈક ટ્વિસ્ટ પર એમને મુકવાના ! એવું નક્કી થયું તો કદાચ મૂળ વાર્તા અને આ વાર્તામાં કંઈપણ બદલાયેલું લાગી શકે. ઉપરાંત મને વિગતો ક્યારેય યાદ નથી રહી – એટલે કેટલાક સ્થળ-કાળ બદલાયા હોય તો એ ‘અક્ષમ્ય’ કૃતિ સંદર્ભે છે પણ મારા બાળકોને ધ્યાનમાં રાખું તો એ ક્ષમ્ય ગણાય તેવું મને લાગે છે !
Image Source https://en.wikipedia.org/wiki/Les_Mis%C3%A9rables

દુખિયારા – ૧
આ વાર્તા ફ્રાંસ નામના દેશની છે. તમારામાંથી ઘણાએ આ દેશનું નામ સાંભળ્યું હશે. એમાં એક જીન વાલજીન નામનો માણસ રહેતો. એના ઘરમાં એ પોતે અને તેની એક વિધવા બહેન પોતાના બાળકો સાથે રહેતી. જીન વાલજીન આખો દિવસ સખત મજૂરી કરી તેમના માટે ભોજન કમાઈ લાવતો. જીન વાલજીન પોતે સશકત – આમ ખડતલ અને એને બધા કામોમાં ફાવટ પણ ખરી છતાં જે દિવસે એને ક્યાય કામ ના મળે ત્યારે તેને, તેની બહેન અને બાળકોને ભૂખ્યા સુઈ જવું પડે !
આવો જ એક કપરો સમય આવ્યો કે સળંગ બે-ત્રણ દિવસ સુધી તેને કોઈ કામ ના મળ્યું અને તે પોતાની બહેનના બાળકોને ભૂખ્યા જોઈ શક્યો નહિ ! તે કોઈક જગ્યાએ કામ મળી જાય તો કામના બદલામાં કૈક ખાવાનું મેળવવા ગામમાં નીકળી પડ્યો. ઘણા દરવાજે ગયો, પૂછ્યું તમારે ઘરમાં કઈ કામકાજ હોય તો કહો હું કરી દઉં.. બદલામાં મારે કઈ પૈસા નથી જોઈતા મને બસ થોડું ખાવાનું આપજો. ઘરે મારી બહેન અને તેના બાળકો ભૂખ્યા છે. પણ તે દિવસ તેની આ લાગણી જાણે એ ગામના કોઈ માણસના કાને અથડાઈ જ નહિ. આખું ગામ જાણે એની આ વાતને બહેરા ની જેમ સાંભળી શક્યું નહિ. ખુબ થાકેલો અને પોતાની બહેનના બાળકોની ભૂખ ને યાદ કરતો કરતો જીન વાલજીન ઘર તરફ પાછો ફર્યો. રસ્તામાં તેને એક મકાનની કાચની બારીની અંદર રોટલીઓનો થપ્પો દેખાયો. એ જોઈ એ થંભી ગયો. તેને એ દરવાજો ખખડાવ્યો અને કોઈ કામ આપવા વિનતી કરી. કામના બદલામાં થોડીક ચાર-પાંચ રોટલી આપશો તોય ચાલશે એવું કહ્યું.. પણ ના ! દરવાજો તો ધડ દઈને બંધ કરી દેવાયો. તે ઘસડાતા પગે બહાર આવ્યો.. પણ તેની નજર પેલી રોટલીઓ પર ચોટી ગઈ.. તેણે હળવેથી કાચ તોડી તેમાંથી હાથમાં આવે એટલી રોટલીઓ લઇ લીધી. પણ કાચ ફૂટવાના અવાજથી ઘરના માણસો ત્યાં દોડી આવ્યા અને તેમને જીન વાલજીનને પકડી પડ્યો. જીન વાલજીન કરગર્યો કે તેને આ રોટલીઓ તેના બહેન અને બાળકોને આપી આવવા દો. તેઓ ખુબ ભૂખ્યા છે. પછી તમે મને સજા કરજો અથવા પોલીસને સોપી દેજો.

[ હવે ઘરનો માલિક શું કરશે ? જીન વાલજીન ને છોડી દેશે ? પોલીસને બોલાવશે ? ] 

દુખિયારા - ક્લાસિક ફોર એવરી વન !

આજે શાળામાં સવારે પાંચ મિનીટ "દુખિયારા" ને મારા રંગ ઉમેરી કહી. પાંચ મીનીટમાં તો એ ક્લાસિક કથાનો જાદૂ એવો છવાયો કે વાર્તા હમણા જ પૂરી કરો.
કહ્યું કે "આ તો લાંબીઈઇ વારતા છે ! હું રોજ સાંજે છૂટતી વખતે દસ મિનીટ કહીશ તોય બે મહિના થાય એવડી !" બધી આંખો વાર્તાની લાંબા હોવાની આ વ્યાખ્યાના આશ્ચર્યમાં અને હાશ હવે રોજ વાર્તા મળવાની એ ખુશીમાં મને જાણે કે પી ગઈ !
મને ય મોજ પડી તો કહ્યું કે "આજે વાર્તા અડધો કલાક -- સાડા ચાર વાગ્યાથી શરૂ !"
બપોરે વળી નક્કી થયું કે આપણે ગામમાં જઈએ અને આપણા બીજા દોસ્તારોને બોલાવી લાવીએ !
ગામમાં ગયા, ફળીયે ફળીયે - ઘેર ઘેર ! ઘરે "હજુ કાલે જઈશું !" ના ભાવમાં અટકી પડેલા પંદરેક વિદ્યાર્થીઓને લઇ શાળામાં પહોચ્યા !
હવે, એક સવાલ સૌથી વધુ પૂછાયો તે એ કે "કેટલા વાગ્યા?"
સાડા ચાર ને બદલે સવા ચાર વાગ્યે વિક્ટર હ્યુગો ની લા મિઝરેબલ કહેવાની શરૂ કરી !
પહેલા - બીજા વાળા ટાબરિયા પૈકી થોડાક ને બાદ કરીએ તો બાકીના તમામની આંખોમાં મને જીન વાલજીન પ્રત્યેની કરુણા છલકતી દેખાઈ !
બરાબર મોડ પર "હવે જીન વાલજીન એ રકાબીઓ અને દિવેટની ચોરી કરશે કે નહિ ! એ આપણે જોઈશું આવતીકાલે સાંજે છૂટતી વખતે !"
કહેવાની જરૂર છે કે એમનો એક જ સૂર હતો "એટલું જ કહી દો બાકીની વાર્તા કાલે !"
મેં ય ધરાર એમની વાત નથી માની અને વાર્તા કાલ પર ઠેલી છે !
પણ ક્લાસિક કેમ ક્લાસિક છે - તે સૌને એક સરખી રીતે અપીલ કરે છે તે સમજાઈ ગયું !
"એક અવળચંડાઈ એવી ય થાય છે કે રોજ જેટલી વાર્તા કહું - જે રીતે કહું - બાળકો સમજી શકે એ ભાષામાં કહું - એ જો રોજેરોજ અહી ટાઈપ કરું તો ? #ખબર નહિ કે બીજા બધાને મજા પડે કે નહિ !

posted under , | 0 Comments

#HappyDivali

એક દીવો ત્યાં પણ પ્રગટાવીએ,
જ્યાં વિચાર શોધવામાં વાર લાગે છે !

હૈયું ઈચ્છે કે અલ્યા આમ કરજે,
'તું' બનવાની મોટી હામ ભરજે;
માનીને બે ડગ ભર્યા ના ભર્યા -
એ અજાણ્યા ડરથી થંભી જવાય -
ત્યાં ફરી "હામ" શોધવા દીવો કરીએ !
કઈ કેટલાય બહાનાઓ હેઠળ-
અંધકાર કર્યો છે પોતીકા 'અંતરમાં' !
'રમ્ય' સત્ય નામનું કોડિયું ત્યાં ય મુકીએ.
મળીએ છીએ જ્યાં આપણને આપણે,
એ જગાએ જરીક સાફ કરીએ -
વિચાર શોધવામાં વાર લાગે છે,
ત્યાં પણ એક દીવો કરીએ !
‪#‎હેપ્પી‬ દિવાલી 

કૃષ્ણ તને કમજોર થવાની છૂટ નથી !કૃષ્ણને કમજોર થવાની છૂટ નથી,
ધારણ કરવાની હોય હામ ત્યાં –
એને સાવ ભીમ જેવું સ્ફુટ થવાની છૂટ નથી !
પાંચજન્ય હોઠથી અડકાડી ને -
એમાં શોધવા બંસીના સૂર !
‘સ્મિત’ નો જાદૂ રાખવો એક તરફ-
ત્યાં આવા ‘વિચલન’ એ  કોઈ ‘કૃષ્ણરીત’ નથી !
હવે, તું માંડી ના શકું એ ‘પાસાઓ’ નું ગણિત –
તારે માટે બીજી કોઈ ચોપાટ નથી !
જ્યાં દાવ પર લગાવી તે જ જીંદગી,
ત્યાં તને હવે ‘તારા’ દાવ લેવાની છૂટ નથી !
લાંગરી ના શકું તું વ્હાણ તારા દરિયાની મધ્યે-
તો કોઈ મુસાફરને હામ આપવાની જીદ નથી –
યુધિ ની જેમ થાઉં તું સ્થિર-
અર્જુનની જેમ તાકું એક તીર –
ભીમ સમો બનું તું વીર –
નકુલ સમ તું કેળવ અશ્વ આ વિચારોના –
તને સહદેવ સમ પૂછ્યા વગર કહેવાની છૂટ નથી !
તારે જ અભિમન્યુ સમ ‘સખી’ આંખનું કાજળ થવું છે –
ત્યાં તને એમાં જ નીર લાવવાની કોઈ જ છૂટ નથી !

કૃષ્ણ તને કમજોર થવાની કોઈ છૂટ નથી !

આજે પચ્ચીસમી મે !

સ્થિર સ્થિતપ્રજ્ઞ સમય-
એક મોટી -
કોને ખબર કેટલી મોટી !
જગ્યા રોકી પથરાઈ વળ્યો છે;
પૃથ્વી પરના દરિયાઓની જેમ જ સ્તો !
એક ડૂબકી આપણને મળે એટલે-
ત્યાંથી આપણો સમય શરૂ-
આપણી સમય સફર શરૂ !
પછી આપણે ભૂલી જઈએ કે -
"હું સમયના પ્રવાસે છું !"
અને-
સમય પસાર થાય એવું અનુભવ્યા કરીએ !
ના,
આ તો 'દ્રષ્ટિભ્રમ' છે !
"તમે બચપણમાં બસમાં બેસી દોડતા વૃક્ષો નહોતા જોયા?"
આ સમય સમુદ્રની આપણી સિંદબાદ-ઈ સફર !
કેટલાક સહ-મુસાફરો પોતાની સફર પૂરી કરે !
કે
બસ
મને

ગમી
ગયું
"સ્થળ"
"તમે જાઓ આગળ વધો !"
કૈક આશીર્વાદ એવુય બબડે !
આપણે નીકળી પડીએ છીએ -
"નીકળી પડવું પણ જોઈએ-"
નીકળી પડવું જ પડે છે !
પેલા સાથે પસાર કરેલા મુસાફરસમય ને વાગોળવા ! (દાદીમાં ની પુણ્યતિથી - સાથે સંગાથસમય ના કાપા)

posted under , | 0 Comments

હું સમજુ છું !

હોટેલ ક્રિશ્ના !
છોકરડા જેવો પતિ : બૂડી હેડ્યને પી લે ! જરીક બે ઘુંટડા, હારું લાગશે !
પત્ની : હોં (પણ સીટ પર થી ઉભી નથી થતી)
પતિ : જોય ન આયો - જવાય એવું સ ; હ હે આવો ?
પત્ની : એના કિશોરીવય ના ડોળા કાઢી - "ડચકારો"
પતિ પાછો જાય છે.
બે મિનીટમાં પાણીની એક બોટલ અને છાપાના કાગળમાં વીટી ભજીયા આપી ગયો !
તેણી ખાઈ રહી છે !
#પ્રેમ બીજું શું ?
છણકા હોય તોય ખબર પડે છે બંને ને કે કોને શું જોઈએ છે !

posted under , | 0 Comments

રે કબીરા !

બસમાં મારી ઓપોઝીટ સાઈડમાં પાછળ ત્રીજી સીટ પર બરાબર દરવાજાની સામે એક છોકરી બેઠી છે !
કાનમાં ઇઅર ફોન મો નજીક માઈક્રોફોન અને આંખો સેલ ની સ્ક્રીન પર છે !
અચાનક આટલું ઓબ્ઝર્વ કરવાનું કારણ એટલું જ કે - દરવાજે ઉભેલા લોકોની કર્કશ વાતોની વચ્ચે તેને "રે કબીરા માન જા !" ગાવાનું શરૂ કરી દીધું !
એ જુદી વાત છે કે તેનો સૂર આખા ગીતની એક પણ કડીમાં નહોતો જામ્યો !
પણ આખું ગીત ગાયા પછી તેનું "બસ બકા !" બોલવું -
આખા ગીત ને સૂરીલું કરી ગયું ! જ્યાં બધાની નજર એના પર વિસ્ફારિત થઇ પડી ત્યાં મને ચેતન ભગત યાદ આવ્યો !
#RC

posted under , | 0 Comments

હાફ ગર્લફ્રેન્ડ ની 'પૂરી' કહાની !

જેટલું જીવન અંદર છે એટલું બહાર નથી !
“જીંદગી એક એવી શિક્ષક છે જે ચોક-બોર્ડના ઉપયોગ વગર શીખવે છે ! એક અફલાતૂન ટીચર ની જેમ એવી સ્થિતિઓ પેદા કરે છે કે જેમાં તમે શીખવા માટે પ્રેરિત થાઓ છો ! એ પછી ભલે તે તમારા સર્વાઈવલ માટે હોય કે પછી તમારા પ્રેમ માટે ! પણ જિંદગીએ કારણ આપ્યું અને મજબૂર કર્યા કે શીખો !
માધવ અને રિયા ની પ્રેમ કહાની – ચેતન ભગતની આ નોવેલ !
વાર્તા ચાર લીટીની !
બિહારી છોકરો, દિલ્હીની છોકરી;
જમીન બંનેની સાવ જુદી, એક સરખું આકાશ !
મળ્યા, જડ્યા, ખોવાયા,
ફરી મળ્યા ને પછી જીવનભર જડ્યા !
કોઈકને વાંચવી હોય તો મારી પાસે ય બે કારણ છે ! (શિક્ષક છું ને !)
એક તો તમે કોઈના પ્રેમમાં હો (અહી, રિયા-માધવ ટાઈપ કરતા જુદા પ્રેમમાં હોવાનું પણ ચાલશે!!) બીજું અંગ્રેજી બોલતા બીક લાગતી હોય તો !
પહેલું કારણ સમજાવી શકાય એવું નથી... હવે એ હું સમજાવી દઉં તો – પ્રેમ તમને શું કામ કરવા દઉં? !
બીજું  કારણ અહી, એક બિહારી એસેન્ટ સાથે હિન્દી બોલતા અને ગળામાંથી માંડમાંડ બે ચાર છુટા શબ્દો બોલી શકનાર માધવમાં આપણને સૌને આપણે મળી આવીશું. (ગુજરાતી તરીકે આપણા અંગ્રેજીની વળી ઓર એક ફ્લેવર છે ) જ કે હું તો ભાઈ માધવ જેટલી પળોજણ નથી કરતો –જ્યાં જરૂર લાગે ત્યાં બોલી નાખીએ- સંભાળવાવાળા કેચ કરવું હોય તો કરે નહિતર “ડ્રોપ” !
આખા પુસ્તકમાં એની અંગ્રેજી પ્રત્યે એના પ્રત્યાઘાતો પર સતત હસવું જ આવે !
પ્રેમ તમને કઈ પણ શીખવી શકે ! (લાગી શરત?)
એ જ માધવ બીલ ગેટ્સ અને તેના ડેલીગેશન સામે અંગ્રેજીમાં લાગણીસભર સ્પીચ આપે તો છેક યુ.એન.માં પ્રોજેક્ટ પર કામ કરે અને ન્યુયોર્કની ગલી ગલીમાં રિયાને શોધે ! એટલો આત્મવિશ્વાસ આવે છે પ્રેમથી !
રિયા સાથે પહેલી મુલાકાત ફિલ્મી લાગે અને ફરી થતી મુલાકાત ડબલ ફિલ્મી લાગે !
પણ પ્રેમમાં એવું બધું થતું પણ હોય – “જૈસા ફીલ્મોમે હોતા હૈ, હો રહા હૈ હુબહુ !”
રિયા ‘માંથી’ કૈક મેળવી લઇ પોતાની કરી લેવા મથતો માધવ,
અને પિતાની હરકતોથી પીડાયેલી અને શ્રીમંતાઈમાં ગૂંગળાતી  રિયા !
છુટા પડે – ત્યાં સુધીના પ્રસંગોમાં સંવાદી વાતાવરણ અસ્સલ કોલેજ જેવું જ લાગે છે. ચેતન ભગતના ‘એફ’ વર્ડ્સ સામે કેટલાકને વાંધો છે પણ કોઈક કોલેજને કાન દો-- તો એટલી વાર તો એ સાંભળવા મળવાના.
છુટા પડ્યા પછીના બીજા તબક્કામાં ઝડપથી ઘટનાઓ બદલાય છે તેમાં સ્થળ વર્ણનો ખુબ ઝીણવટપૂર્વક કર્યા છે.
હાફ ગર્લફ્રેન્ડની ટૂંકી વાત –
ટુ સ્ટેટ્સ અને થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ કરતા ઓછી પણ વન નાઈટ એટ કોલ સેન્ટરથી વધુ અસરકારક !
સી.બી. સ્ટાઈલ પસંદ હોય તો વંચાય !

હોલી રીડ

સુખ એકબીજાનું -
વજન વધારાથી લઇ પ્રેમ ઘટાડા અને લગ્ન ધખારા સુધીના નિબંધો !
#કાજલઓઝાવૈદ્ય ને ઝડપથી વાંચી અને સમજી શકાય છે !
એમના લખાણમાં શબ્દો નહિ એ વાતો મહત્વની છે. સાવ સરળ અને સાહજિક રીતે વણાઈ ગયેલી આપણી જિંદગીના પાસાઓને એ ફરી જોવા માત્ર કહે છે
- કોઈ ફેસલો નથી !
કશું જ અંતિમ નથી.
માત્ર આમ લાગે છે - આપણને એમ લાગે છે કે નહિ ?
એ આપણે જોવાનું !
કાજલના કૃષ્ણ તો હોય જ !
અહી "મીરાં સિન્ડ્રોમ"
પણ - એવું થાય કે બધું ઉતાવળે લખી નાખ્યું છે !
પણ આખરે આ કોઈક છાપાની પૂર્તિઓ માટે લખાયેલા લેખ છે !
એ ઉતાવળની અસર છતાં "કલાક" તો ફાળવી જ શકાય !

posted under | 0 Comments

ક્રિશ્ના તું મનમાં !

સ્નેહના સાથીયા પૂર્યા ને શણગારી આંખો-
કર્યા આંસુના તોરણીયા !
ભાલમાં ચકચકતું રત્ન જડ્યું મેં;
તમે મુજ મન આવો -
વસવાટ કરીએ એકમેકનો સહિયારો !
એક લાગણી નું પગલું તારું-
ને ધસી આવીશ હું એકધારો !
મળીએ એવા તે સંધિની ભોય પર;
જ્યાં સમયના "ના" હોય કોંટા -
હેય ને આખો સમય આપણો ને -
આખોય ચંદરવો રૂપાળો !
#Krishnaa
#RC

posted under , , | 0 Comments
Newer Posts Older Posts Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments