ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, અને ફરી યુદ્ધ, !ધ્રુવ ભટ્ટને મળવાનો મારો ક્રમ જરા જુદો રહ્યો...પહેલા જ અતરાપી પછી તત્વમસિ, કર્ણલોક, સમુન્દ્રાન્તીકે અને હવે અગ્નિકન્યા ! અકૂપાર નજર સામે છે !
અગ્નિકન્યાને મળવાનો અનુભવ યાદોને ફંફોળવા સમો રહ્યો...
બચપણમાં જુના દેશી નળીયાવાળા ઘરની ઓસરીમાં શ્રાવણ માસમાં દાદા મહાભારત વાંચતા..ફળિયાના લગભગ બધા સાંભળવા બેસતા...દરેક બાળકની જેમ ભીમની વાત આવતા જ કાન સરવા થઇ જતા... મહાભારત વાંચવાનો નિયમ હતો કે શરૂ કર્યા પછી અધ્યાય પુરો ના થયા ત્યાં સુધી અટકાય નહિ...એટલે જો દાદાને પાણી પીવું હોય તો મને બારમાં ખેલાડીની જેમ વાંચવાનો મોકો મળતો ! તે વખતે ગવાતા “વૈશમ્પાયન  ઋષિ એની પેરે રે બોલ્યા સુણ જનમેજય રાય...વિસ્તારી તુજને સંભાળવું મહાભારત કથાય ...”
બચપણમાં મળેલા આ મહાભારતના પછી તો ઘણા રંગો બદલાયા..કોલેજ વખતે ફરી તે ઉથલાવી ગયો...”જે ભારતમાં તે મહાભારતમાં...” પણ સમજાયું...ભારતીયોએ આ કથાનકને વાંચ્યું, માણ્યું જ  નથી પણ માન્યું છે તેઓ મહાભારત જીવ્યા છે ! વાંચી વાંચીને ભેગા કરેલા આ પાત્રોને જો કોઈ આખરી રંગ રહ્યો હોય તો તે બી.આર.ચોપરા ના મહાભારત..નું “મૈ સમય હું....” હવે ભીમ સાથે પ્રવીણકુમાર અને કૃષ્ણ નીતીશ ભારદ્વાજ નું સ્વરૂપ ધારણા કરી ચુક્યા..અર્જુન તો અર્જુન અને દુર્યોધન પુનીત ઇસ્સાર... જેમ અરૂણ ગોવિલ અને દીપિકા ચિખલિયા રામ સીતા અને સ્વ. દારાસિંહ હનુમાન સ્વરૂપે સ્થપાયા તેમ રૂપા ગાંગુલી દ્રૌપદી જીવી ગઈ !
(વાત વાતમાં પ્રસ્તાવના જ લાંબી થઇ ગઈ !)
હા..તો અગ્નિકન્યા સાથે બીજું પાનું પલટતા જ ‘સર’ મળી ગયા.. ચોટલીયા સરે લખેલા આ કાવ્યની સ્પર્શી ગયેલી આ  પંક્તિ જ તે વાંચવાનું ઇજન આપવા પુરતી છે !
“મારાં ચક્ષુમાં.....ત્વચામાં...કેશમાં....
મારા લોહીમાં...શબ્દોમાં...મૌનમાં...
હે મારા પંચપ્રાણ !
હે મિત્ર-આત્મજ !
હે ગોવિંદ !
મને હિમાલય ઓઢાડો,
તૃપ્ત કરો
અગ્નિકન્યાને. “

કથા દ્રૌપદીની છે અને તેના આત્મજ ગોવિંદની ! યુદ્ધ...વિનાશ...રચના...બધું છે મહાભારત પણ યાદ રહે કલમ ધ્રુવ ભટ્ટની છે !
તેમાંય પાત્રોને મળતા નવા નામ...દ્રૌપદીને ‘યુવરાગની(જ્ઞ ઈ), ભીમ માટે જયેશ...કૃષ્ણ અને અર્જુન તો દરેક વખતે નવા નામ હોય તો દ્રૌપદીની કથા સાથે તેના નામ બદલાતા જાય..
ચમત્કારોને ટાળીને ય વાર્તા અખંડ છે...દરેક પળે તે સમયનું મહાભારત તમને આજનું-૨૦૧૨ નું ભારત યાદ અપાવે...એક દમ રીલેવન્ટ ! જેમ કે દ્રૌપદીના ચીરહરણ વાળી સર્વપ્રથમ “અધર્મી સસંદ”...
કેટલાક છાંટણા :
·         અહી આપણા બધાનો જન્મ અન્યને મારવા માટે જ થયો છે – શિખંડી
·         કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી, પ્રશ્ન માત્ર શ્રધ્ધાનો છે !
·         સ્ત્રીના-માતા,પુત્રી,બહેન સિવાય પોતાનું પણ એક સ્વરૂપ હોય છે અને તેને જ કદાચ પૂર્ણ સ્ત્રીત્વ કહી શકાય. પૂર્ણમાં ભાગ પડે તો પણ પૂર્ણ જ રહે છે...
·         સભ્ય સમાજને પુત્રને ક્યારે પિતાના સગપણે અને ક્યારે માતાના સગપણે ઓળખાવો તે બરાબર આવડે છે !
·         વિકર્ણ : અહી કોઈ માનવાનું નથી કારણ કે હું નાનો છું અને કારણ કે હું સાચો છું !”
·         આપણને પ્રાપ્તિની ઈચ્છા જ ન હોય અને ત્યારે જે કામ કરી શકાય તે જ સાચું કામ છે.
·         શક્તિ હોતી નથી, આવે છે.
·         ધર્મ તો માનવીના આચરણનું બીજું નામ છે.
·         માનવજીવન એવું જ છે. દરેક જાણે કોઈકને તો અન્યાય કર્યો જ હોય છે.
·         નીતિ શું અને અનીતિ શું તે મુઠ્ઠીભર સત્તાધીશો નક્કી કરે છે.
·         (જયારે સુદેશના દ્રૌપદીને તેના પતિ વિષે પૂછે છે ત્યારે ) “પાંચમાંથી એક પણ પાંડવને આવો પ્રશ્ન કોઈએ નહિ કર્યો હોય” તે વિચારે દ્રૌપદીને સહેજ હસવું આવી ગયું.
·         આ માર્ગો તે : ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, ફરી યુદ્ધ, અને ફરી યુદ્ધ, !
·         માનવી પોતાના નાનકડા જીવનમાં જે-જે અનુભવો કરે છે તે ઈશ્વરને પણ થતા હોય તો જીવન જુદું જ હોત.”
·         ઈશ્વર લાગણી, હૃદય, પ્રેમ, સંયોગ,વિયોગ-સર્વથી પર હશે, માનવી નથી હોતો.”
·         આ બધું આપણા કર્યા કે કરાવ્યાથી થાય છે તે એક મોટી ભ્રમણા છે.
·         ભીષ્મનું વેર જયારે ઈચ્છયું ત્યારે ન લઇ શક્યો. જયારે લઇ શક્યો ત્યારે વેર લેવાની ઈચ્છા મરી પરવારી હતી – શિખંડી.
અસ્તુ ! – નહીતર વધુ લંબાઈ જશે !

3 comments:

rajni agravat said...

ધ્રુવાભાઈના સર્જનને મારો વાંચવાનો ક્રમ શાયદ આ રીતે રહ્યો છે- તત્વમસિ – અગ્નીકન્યા – કર્ણ લોક – અતરાપી – સમુદ્રાન્તિ - અકૂપાર .....
કૃતિઓ વંચાતી ગઈ તેમ તેમ એમના એક અલગ જ ભાવ વિશ્વમાં ખૂંપતો ગયો.

મેં પણ એમના તથા એમના સર્જન વિશે અમુક બ્લોગ પોસ્ટ્સ લખી છે, અને અમે ત્રીજા eમેગેઝિન 'e_વાચક-૨૦૧૧'માં મેઘા જોષી દ્વારા એમનો ઇન્ટરવ્યૂ પણ કરાવ્યો હતો.

VISHALKUMAR ADESARA said...

khub j saras rahi post........ aavi j biji post ni rah joish......

Rakesh patel said...

પ્રયત્ન રહેશે...અકુપાર વાંચ્યા પછી...શું લખવું ? એમ સુઝતું નથી...

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments