આંગળાનો જાદુ!!-એક બાળગીત!

સુરતના મિત્ર શ્રી પ્રકાશભાઈ પરમારે છેલ્લે મળ્યા ત્યારે એક મજાનું સ્વરચિત બાળગીત સંભળાવ્યું...ગમ્યું તો તમને ખબર જ છે કે મારે તો ગમે તેનો ગુલાલ!!!!!!!


આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ!(૨)

મારા આંગળામાંથી બે હરણ બની જાય,

ઉંચા કાન કરીને એ તો, ઠેકડા મારતા જાય!

આંગળાનો જાદુ.....


મારા આંગળામાંથી માછલી બની જાય,

પાણીમાં એ સર સર સરતી, ઉપર નીચે જાય.

આંગળાનો જાદુ.....

મારા આંગળામાંથી પતંગિયું થઇ જાય,

ઉડતું જઈને ફૂલ પર બેસે, એ પણ ફૂલ થઇ જાય.

આંગળાનો જાદુ.....


આંગળા વડે પેન્સિલ પકડું કેવું સરસ લખાય?

આંગળા વડે પીંછી પકડું રંગો નવા ભરાય!

આંગળાનો જાદુ.....


ક્યારેક મારી આંગળી તોફાની થઇ જાય,

નાકમાં ઘુસી ખણ- ખણ કરતી,બાજુવાળાને ગલી પચી કરતી,

એને સમજાવાય-ગાંડી આવું ના કરાય.

આંગળાનો જાદુ.....


બંને હાથના આંગળા ભેગા નમસ્કાર થાય,

ગુરુજી,પ્રભુજી,માત-પિતાને, જય જય જય કરાય.

આંગળાનો જાદુ.....


મારી આંગળી વડે જો આંસુ કોઈનું લુંછાય,

મારી સાથે સાથે પ્રભુજી પણ રાજી થાય...

આંગળાનો જાદુ.....

-પ્રકાશ પરમાર

lightmoonthesir@gmail.com

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments