Reformation of States! - હમારી ભી સૂનો!

A mail from E-Friend Shirish Dave!
આભાર સહ .....
 
"હમારી ભી સૂનો" રાજ્ય પુનર્‍રચના અને મીડીયા
 
 
૧૯૫૭માં એક કૂવાના સારકામમાં ઓ.એન.જી.સી થકી લુણેજપાસે તેલ નીકળ્યું હતું. અને પછી તો ક્યાં ક્યાં તેલ હોઈ શકે તે બાબતમાં સમાચાર પત્રોંમાં સમાચારોનો મારો ચાલ્યો. એક કટાક્ષચિત્ર એવું આવ્યું કે છાપાંને નીચોવવાથી પણ તેલ નિકળે છે.
આપણી નહેરુવીયન કોંગ્રેસ આમતો વચન અપવામાં અને પોતાની પ્રતિબદ્ધતા પૂનઃ પૂનઃ જાહેર કરવામાં માહિર છે કે ત્યાં સુધી કે જનતા કંટાળી જાય. જેમકે ગરીબી હટાવો ... વિગેરે.
 
 
મહાત્માગાંધીએ હિંદ સ્વરાજ્યમાં સ્વતંત્ર ભારત કેવું હશે... તેમાં શું શું હશે... પ્રાંત નવ રચના કેવીરીતે થશે એ બાબતમાં તેમણે ભાષાવાર પ્રાંત રચનાની વાત કરેલી. આમતો તેમણે ગવર્નર કેવીરીતે રહેશે, શું શું ખાશે, તેમના મહેમાનોને કેવી જાતનું જમવાનું મળશે... વિગેરે વિષે પણ સવિસ્તર કહ્યું હતું. તો પણ તેમણે એક જ ભાષાના મોટા રાજ્યોને નાના નાના રાજ્યો કરવાની વાત નહીં કરેલી. કદાચ તેઓ કરકસર ભરેલા વહીવટમાં માનતા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છની રચના એ વચગાળાની વ્યવસ્થા હતી. ઢેબરભાઈ અને તેમના તે વખતના સાથીઓ ગાંધીવાદી હતા. અને સાવ જ સાદા મકાનમાં રહેતા હતા. બધાજ પ્રધાનો માસિક રૂ.૫૦૦ નો પગાર લેતા હતા. અને છતાં પણ કોઇ લાંચ લેતા નહતા.
હવે આ સ્થિતિ નથી.
 
 
ચરણસિંહના સુપુત્ર જણાવે છે કે યુપીનું પણ અનેક રાજ્યોમાં વિભાજન કરવુ જોઇએ. કારણકે સંસ્કૃતિ અલગ અલગ છે.
 
"ગાય જો ગધેડા સાથે રહે તો ભૂંકે તો નહીં, પણ લાત મારવાનું તો શિખી જ જાય."
ચરણસિંહને જલ્દી જલ્દી વડાપ્રધાન બનવું હતું. એટલે તેમણે પોતાના જાની દુશ્મન ઇંદીરાઈ (નહેરુવીયન) કોંગ્રેસનો સાથ લઈ મોરારજી દેસાઈની કામકરતી સરકારને ઉથલાવી. ઇંદીરાકોંગ્રેસને શાધનઅશુદ્ધિનો છોછ ન હતો. કટોકટી-ફેમ કોંગ્રેસ તો સત્તામાટે કોઇપણ હદે જવા તૈયાર હતી. હવે કોંગ્રેસી "હમ્ટી ડમ્ટી" ટાઇપ પરિભાષા ચરણસિંહના પુત્ર અપનાવે તે આશ્ચર્યની વાત નથી. સંસ્કૃતિની પરિભાષા ચરણસિંહના સુપુત્રની શું છે તે આપણે જાણતા નથી. "ગાય જો ગધેડા સાથે રહે તો ભૂંકે તો નહીં, પણ લાત મારવાનું તો શિખી જ જાય."
 
 
હવે ૮૦ વર્ષ પાછા જાઓ. અમે ભ્રામણ (બ્રાહ્મણ). અમારી સંસ્કૃતિ જુદી. અમે ખર્ચુ ગયા (સંડાસ ગયા) પછી સ્નાન કરીએ જ કરીએ જ. સ્નાનકર્યા વગર જમીએ નહીં. સ્ત્રીઓએ પણ કંતાન કે રેશમી વસ્ત્ર પહેરીને જ રસોઈ કરવી પડે.ગાય કુતરાનું જુદું કાઢીએ. જમતી વખતે અબોટીયું પહેરીને પલાંઠી વાળીને જ જમીએ. એક જ હાથે જમીએ. તે પણ જમણા હાથે જ જમીએ. જમતા પહેલાં વિશ્વદેવને જમાડીએ. જમતા પહેલાં હર હર મહાદેવ બોલીએ. ત્રીપુણ્ડથી અમે લલાટને શોભાવીએ. પીવાનું પાણી કુવામાંથી જાતે લાવીએ. પાણી ખેંચવાના પણ નિયમ. અમારો ઘડો કૂવામાં નાખીએ ત્યારે અને ભરેલો ઘડો ખેંચીએ ત્યારે સૌથી ઉપર જ રહેવો જોઇએ, જેથી કોઇના ઘડાનું પાણી અમારા ઘડા ઉપર પડે નહીં. અને તેથી અમારું પાણી અભડાય નહીં. આવું તો બધું ઘણું છે. ટૂંકમાં અમારી સંસ્કૃતિ જુદી. અમારે જુદું રાજ્ય જોઇએ.
 
 
અમે ક્ષત્રીય. અમારો પણ વટ. અને વાણીયા તેલ કે ઘી જોખવામાં અમારા વાસણનો ધડો ન કરે. અને જો નવો સવો દુકાનમાં આવેલો વણિક પૂત્ર ભુલથી પણ અમારા વાસણનો ધડો કરે તો વણિક પિતા તાડુકે "અલ્યા બેશરમ!! બાપુનો ધડો કરે છે? બાપુનો ધડો હોતો હશે? બાપુનો ધડો નો હોય. સીધુ ઘી તોલ." અને અમે મુછે તાવ દઇએ. જોયું ... અમારો ધડો ન થાય. વટ છે ને અમારો? ભાઇ ઇમ તો અમે હંધુય હમજીએ. વાણીયો બચાડો ભલે બે પૈસા રળી લે. અમે તો ગહઇને ઉજળા. હા ભાઈ. અમારી સંસ્કૃતિ પણ જુદી.
 
 
અને અમે વાણીયા. રાધે... રાધે... રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ... જય જીનેન્દ્ર, ભલે અમારી મુંછ નીચી પણ અમારી લીલા અપાર. અમને કોઇ ન પૂગે. અમે યુગે યુગે એક માણસ એવો પેદા કરીએ કે જેને સૌ લળી લળીને પ્રણામ કરે. ભામાશા, હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્‍ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીના બરનો છે કોઇ? હા ભાઈ અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ અલગ રાજ જોઇએ.
 
 
અને અમે દલિત લોકોએ તો દલિતસ્તાન માંગેલું જ છે.
 
 
હવે તમે કહેશો કે આ બધા તો એક જ ગામમાં રહેતા હોય છે. એમને કેવીરીતે અલગ અલગ રાજ આપી શકાય?
ભાઈ આ તો વહીવટી અને મેનેજરીયલ પ્રોબ્લેમ છે. મન હોય તો માળવે જવાય. મોટી મોટી અણવરસીટીમાં ભણેલા, મોટી મોટી હૉફીસુંમાં બેહતા, મોટા મોટા પગારો લેતા, મોટામોટા બંગલાઉંમાં રે'તા સાયેબો આનો ઉકેલ લાવસે.
 
 
અમારા રાજકોટના રૉટલા પૂરા થયા અને ભાવનગર આવ્યા. ભાવનગર તો ભાઇ સાવ જ અલગ. સ્ટેશન ઉપર ઉતરતાં જ ખબર પડે કે આ શહેર જ અવનવું છે. કુલીઓ બધી મહિલા. મીઠું મીઠું અને ચોક્ખું ચોક્ખું બોલે. આદરથી બોલે. રાજકોટ પણ કંઇ અસભ્ય તો નહીં જ. પણ ભાવનગર એ ભાવનગર. રાજકોટની ઘોડાગાડી ખુલ્લી. ત્રણ જણ બેસી શકે. ભાવનગરની ઘોડાગાડી બંધ. એમાં પાંચ જણા બેસી શકે. ભાવનગરના મકાનો એટલે મોંઘેરી ધરોહરવાળું સ્થાપત્ય. "પ્લૉટ"ના (કૃષ્ણનગર અને તખ્તેશ્વર વિસ્તાર) રસ્તાઓ કાચા પણ પહોળા અને સુવ્યવસ્થિત. દર ચાર રસ્તે શોપીંગ અને બગીચા.
એક પૈસાનું પાન, બે પૈસાની ચા, બે આનાના ગાંઠીયા. (પણ અમારાથી "ડહ્યા પુના"ની "લક્ષ્મીવિલાસ હિંદુ હૉટલની પણ ચા ન પીવાય. અભડાઇ જવાય ને એટલે), અને ચાર આનાની સીનેમાની ટીકીટ. સીનેમા નો શો ચાલુ થાય એટલે પડદા ઉપર પ્રથમ બતાવાય ભાવેણાના ભરથારની છબી. તાળીયોના ગડગડાટ થાય.
વળી અમારે એ લૉટ મહાદેવના મંદીરું. ઓવર ફ્લો થતું ગૌરીશંકર સરોવર. આખું ગામ (ઉંચી અગાસી હોય તો) જોઇ શકે એવા તખ્તેશ્વર મહદેવનું ઉંચી ટેકરી ઉપરનું અફલાતુન મંદીર. અને એ મંદીરના ઑટલાઓ ઉપરથી વૃક્ષાચ્છાદિત ભાવનગર દેખાય. સૌ કોઇ સભ્યતા પૂર્વક બોલે અને અર્થપૂર્ણ બોલે. પરોણો એટલે ભગવાન. અમારી વાત્યું ખૂટાડી ખૂટે નહી. પછી એ હોય તખુભા બાપુની (તખ્તસિંહજી મહારાજની) કે જોગીદાસ ખૂમાણની.
અમારા એક સહાધ્યાયી સુરેન્દ્ર નગરમાં મળ્યા અને કહે આ દેશ તો સાવજ જુદો છે.
હાભાઇ અમારા ભાવનગરની સંસ્કૃતિ જુદી. અમારુ રાજ જુદું કરો.
 
 
અને અમે મહુવાના. અમારે ત્યાં સ્થાનિક ચૂંટણીઓ રાષ્ટ્રીય મુદ્દા ઉપર લડાય. સભામાં ચીઠ્ઠીઓના જવાબ આપવાની અફલાતુન રસમ. અમારે ઇબ્રાહિમભાઇ પોતાના ભાષણમાં નૂતન કોંગ્રેસીની (નૂતન કોંગ્રેસી એટલે પી.એસ.પી છોડીને કોંગ્રેસી બનેલા) રેવડી દાણાદાણ કરી નાખે. ભાવનગર વાળા કનુભાઇ ઠક્કર અને નીરુબેન પટેલ મદદ કરે. અને પ્રાણભાઈ બાટલાવાળા પોતે કદી પટમાં આવે નહીં. પણ એવા બાટલા ફોડે (તુક્કા ચલાવે)કે નૂતનકોંગ્રેસીઓના અમુક નેતાઓની ઉંઘ ઉડીજાય. એક વખત તો નગરપાલીકાની ચૂંટણીમાં નૂતનકોંગ્રેસીઓ સામે બધા જ સ્ત્રી ઉમેદવારો ઉભા રાખ્યા. તેની આગેવાની મનુબેન ગાંધીએ લીધી. એક નૂતન કોંગ્રેસી નેતા (જે પાછળ થી ચીફ મીનીસ્ટર પણ થયેલા) એ કહ્યું "શું આ બધી સ્ત્રીઓ મ્યુનીસીપાલીટીમાં ગરબા રમવાની છે?" અને પછી તો જો થૈ છે!! મનુબેન ગાંધીએ એમને એવા લીધા એવા લીધા કે એમણે માફી માગવી પડી.
હા ભાઇ. અમે પણ જુદા છીએ. અમારી સંસ્કૃતિ પણ અલગ છે.જો તમે ભાવનગરનું જુદું રાજ કરો તો અમારું મહુવાનું પણ એક રાજ કરજો.
 
 
અને અમે સોરઠના આરઝી હકુમત વાળા કંઈ જેવાતેવા નથી. સાચુકલા સિંહ જેવા છીએ. ભવનાથ દાદા અમારે હાજરા હજુર છે. અમારી સંસ્કૃતિ પણ અલગ છે. અમને પણ અલગ રાજ જોઇએ.
 
 
અને અમે પોરબંદર વાળા... તમે અમારો યુગાન્ડા રોડ જોયો છે? અમે ગાંધી બાપુ ન આપ્યા હોત તમારું શું થાત? તમારી જે દશા થાત તેનો વિચાર કરતાં તમારા દુશ્મનોને પણ કમકમાં આવે. શું અમે પાણકાવાળી કરીશું તો જ તમે અમને અલગ રાજ આપશો? તમને ખબર તો છે જ કે અમે કેવા છીએ. ઈટાલીના માફિયા પણ અમારી અગાડે પાણી ભરે.
 
 
અને અમે હાલારી. અમારા બાપુ જામ સાહેબની તંદુરસ્તી જોઇ છે તમે? તેના ગજાનો છે કોઇ તમારી કને? હા ધ્રોળ બાપુ ખરા. પણ એતો અમારામાં આવે છે ને? અરે અમે તો કીરકીટનો દુનિયામાં ડંકો વગાડેલો છે. અને આજે પણ અમારા નામની મેચું રમાય છે. અમારા રણજી બાપુ અને ઑઘડ ભાઇની તોલે કોઇ નો આવે.
 
 
અને અમારો મજોકોઠો (મચ્છુનદીનો કાંઠાળો પ્રદેશ)? અમે તો ઇજનેરી સાયેબો બનાવ્યા ત્યારે તમારી મોટરું મારામાર વિમાન ઘોડે ધોડે છે. અમારું શે'ર તો છે પેરીસ. ભલે મચ્છુંમાં પૂર આવ્યું અને "પેરીસનું પતન થયું" પણ અમે પેરીસને પે'લા કરતાં પણ મોટું અને આગળ કરી દીધું. અત્યારે તો રાજકોટનું પણ બાપ બની ગયું છે. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
 
 
અને અમારો ઠાંગો. તેને ભૂલો તો ખેર નથી. અમે તો સૂરજદાદા ના છોરું. અમારા બળધીયા અને અમારા ઘૉડા, ઘી પીવે ઘી. અમારા પેંન્ડા તમારી હથેળીમાં માય નહીં. અમારી સંસ્કૃતિ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
 
 
અને અમારું ઝાલાવાડ. ગુજરાતમાંથી આવો અને અમે તમને જુદા ન લાગીએ તો એવું બને જ નહીં.
 
 
અને અમે ધરાંગધરા વાળા. અમારી તો તમે વાત જ ન કરી શકો. ચોર અમારા રાજમાં ઘુસીજ ન શકે. જો ઘુસ્યો તો મર્યો. હા... એવી અમારા મયુર ધ્વજ મહારાજની ધાક. અરે અમારા ધરાંગધરાના તળાવના ગણપતિ દાદા તમને બીવરાવે. અમને પણ અલગ રાજ જોવે.
 
 
અને અમારા હળવદીયા લાડુ તમે ખાધાછે? લાડુ તો ઇનેજ કે'વાય. તમારી બધાનીની તો લખોટીઓ. અમે તો પ્રેક્ટીશમાં ૬૦ લાડુ ખાઇએ અને શરતમાં ૫૫. અમારા એક ઢીંકે બનારસી પહેલવાન ચોબાનું માથું ધડમાં ધરબી જાય. ભલે ઇ બધેથી ચંદ્રક લાઈવ્યો હોય.
 
 
અને અમે રાજકોટના. અમારા ધર્મેન્દ્રસિંહજીબાપુની વાત થાય નહીં. એ બેટીંગમાં ઉતરે તો યુરોપીયન એવા રીઝવેએ (કોમનવેલ્થટીમનો ઓપનીગ અને ફાસ્ટ બૉલર)પણ એમનું માન રાખવું પડે. એણે પણ અમારા બાપુને પહેલો દડો તો ધીરો અને હોલ નાખવો પડે જેથી બાપુ ચોકો મારી શકે. અને અમારા બધા બાપુઓ રૈયતનું ધ્યાન રાખનારા. મરકીમાં ઘરે ઘરે જાય. અને પોતાના પલંગની મચ્છરદાની પણ ઉતારીને રૈયતને આપી દે. અમે પણ અલગ. અમારી સંસ્કૃતિ પણ જુદી. અમને પણ જુદું રાજ જોઇએ.
 
આ બધા તો મોટા મોટા. અમે વિઠ્ઠલગઢવાળા ખસગીવાલે બાપુ. અમે ભલે નાના. પણ અમારા દિલ મોટા. અમારા બાપુ ભલે અપંગ પણ ડાકુ ચોર લુંટારાની વાંહે ભરી બંદુકે બઘેડાટી બોલાવે. અને એકાદાનું ઢીમ ઢાળી દે. અને અમારા દિવાન સાહેબ ભલે બંદુક ચલાવતા ન આવડે પણ જો બંદુક હાથવગી હોય તો અને ન હોય તો પણ ડાકુની વાંહે ધોડે. (વિષં અસ્તુ ન ચાપ્યસ્તુ સ્ફટાટોપો ભયંકરઃ = ઝેર હોય કે નહોય વિસ્તરેલી ફેણ જ ભય ઉપજાવવા માટે પૂરતી છે.) વળી અમારા બાપુ લંગડાતા લંગડાતા રૈયતના દરેક જણની દવાદારુ જાતે કરે. જાતે મલમ પટ્ટા કરે. અમે પણ ભાઈ જુદા. અમારી સંસ્કૃતિ પણ જુદી.
તમારી ગાયકવાડીના (લાલીયાવાડીના) લીસ્ટમાં અમારું નામ પણ લખજો.
 
માયાવતી, મુલાયમ, ચરણસિંહના પૂત્ર વિગેરે અનેકની દાઢ સળકે તો કેશુભાઇ, સુરેશભાઇની દાઢ પણ સળકે જ. પણ હમણાં જ્યાંસુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી તેઓ નાના નેતાઓને આગળ કરશે અને થોડું "જામ્યા" પછી તેઓ "પટ"માં આવશે.
 
રાજ્યોના વિભાજનની વાતમાં રહસ્ય કશું નથી. આમ તો કોના બાપની દિવાળી એવી જ વાત છે. વધુ રાજ્યો એટલે વધુ મકાનો, વધુ પ્રધાનો, વધુ મુખ્ય પ્રધાનો, વધુ સચિવો, વધુ મુખ્ય સચિવો, વધુ ઉપ સચીવો, વધુ બાબુઓ, વધુ સચીવાલયો વિગેરે વિગેરે. કેટલીક જગ્યાએ પાટનગરો પણ ઉમેરાશે. સરકારી અધિકારીઓને પ્રમોશનો મળી જશે. એટલે તેમને વાંધો હોય જ નહીં.
 
વળી તમારે બહુમતિ ન આવી તો તમારે થોડાક જ ધારાસભ્યોને ફોડવા પડશે. એટલે તમારું કામ સહેલું અને સસ્તું બનશે. તમે તમારી જાગીર સંભાળી શકશો. અને તમારા પૂત્ર-પૂત્રીઓને અને તમારી અગામી કેટલીક પેઢીઓને તારી શકશો.
 
રાજ્યોના વિભાજનના પુરસ્કર્તાઓની એવી પણ દલીલ છે કે અમારા વિસ્તારનો વિકાસ થતો નથી. મોટું રાજ્ય હોય તો જનતા સાથે સંવાદ થઇ શકતો નથી. આ બધી દલીલોમાં કંઇ વજુદ નથી. કારણ કે જનતાએ અધિકારીઓની થકી કામ પાર પાડવાનું હોય છે. માહિતિ અધિકાર થકી તમે તમારી સમસ્યાઓની જડમાં જઇ શકો છો. વિજાણુ ક્રાંતિથી આખું વિશ્વ એક ગામડું થઇ ગયું છે. મંત્રીઓ અને ધારાસભ્યોનું કામ સરકારી અધિકારીઓની કાર્યવાહી અને વહીવટ ઉપર નજર રાખવાનું હોય છે. અને આ વાત અત્યારના ઇંટરનેટયુગમાં અતિ સરળ છે. પણ જે રાજકીય નેતાઓની ખાસ કરીને સિદ્ધ થયેલી નહેરુવીયન કોંગ્રેસની શૈલી અને વલણ જ જનતાને ગરીબ, અર્ધબેકાર-બેકાર અને અભણ રાખવાનું હોય ત્યારે તેઓ પ્રજાના પૈસે વધુ તાગડ ધિન્ના કરી શકે તે સ્વાભાવિક છે.
 
 
કોંગ્રેસે આમ પણ સત્તા ખાતર દેશમાં ભાગલાવાદી આતંક ફેલાવવામાં કશું બાકી રાખ્યું નથી. મહાત્મા ગાંધીની કોંગ્રેસની નીતિ હતી હતી કે ભાષા વાર પ્રાંત રચના કરવી. અને મુંબઈ પ્રાંતનું (જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મુંબઇ કોંગ્રેસ સમિતિ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ છે તે રીતે) ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોમાં વિભાજન કરવું. કોંગ્રેસ સહિત મોરારજી દેસાઇ આનીતિને વળગી રહ્યા હતા. પણ મહારાષ્ટ્રે હિંસક આંદોલન કર્યું અને મુંબઇમાં ગુજરાતીઓ ઉપર આતંક ફેલાવ્યો. કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવશે એમ લાગ્યું એટલે નહેરુએ એવું ઉચ્ચારણ કર્યું કે મહારષ્ટ્રને જો મુંબઇ મળશે તો તેઓ ખુશ થશે. આવું ઉચ્ચારણ એક વડાપ્રધાન કક્ષાના નેતા માટે લાંછનરુપ હતું. અને નહેરુ તેમની લાયકાત ગુમાવતા હતા. મુંબઇને બનાવનાર ગુજરાતીઓ હતા. પણ તેમણે કદી મુંબઇની માગણી કરી નહતી. ગુજરાતે આબુ અને ડાંગ પણ ગુમાવ્યું. તે પછી તેને ડાંગ લેવામાં જ શક્તિ ખરચવી પડી.
 
 
૧૯૭૨સુધીમાં આસામ બાંગ્લાદેશી ઘુસણખોરોથી પાયમાલ થયું. ચૂંટણીનો બહિસ્કાર થયો. ૪% મતદાન થયું. ઈંદીરા ગાંધીએ તો પણ તે ચૂટણીને કાયદેસર ગણી. અને નોર્થ ઈસ્ટની અને આસામી પ્રજાના જોરને તોડવા તેના ૬ ભાગ કરી નાખ્યા.

 
સૌરાષ્ટ્ર અને કચ્છને અન્યાય થાય છે તે વાત જ બેહુદી છે. જીવરાજ મહેતા, બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઇ ઓઝ,છબીલદાસ મહેતા, કેશુભાઇ પટેલ વિગેરે સૌરાષ્ટ્રના જ હતા. તે છતાં પણ આવી વાત થાય તો તેનો અર્થ એમજ કે તેઓને સમતોલ વિકાસ કરતાં આવડતો ન હતો.
 
 
હાલના નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છ જ નહીં પણ આખા ગુજરાતની કાયા પલટ કરી નાખી છે.
 
 
પણ વિભાજનવાદી નેતાઓને પેટમાં દુખે છે અને કૂટે છે માથું. તેમને નરેન્દ્ર મોદીથી છૂટકારો જોઇએ છે.
 
જીન્ના એ કહ્યું અમ મુસલમાનોની અલગ સંસ્કૃતિ છે. એટલે અમે હિન્દુઓ જોડે ન રહી શકીએ. વલ્લભભાઈએ કહ્યું જો હું આજે મુસલમાન થઇ જાઉં તો શું મારી સંસ્કૃતિ બદલાઇ જશે? જીન્ના પાસે આનો જવાબ ન હતો.
 
 
દંભી અને પોતાને રેશનાલીસ્ટ માનતાઓમાં એક માન્યતા છે કે ભારતીય સંસ્કૃત સાહિત્યમાં લખેલું બધું ખોટું અને પાશ્ચાત્ય વિદ્વાનોએ લખેલું સાચું. ઇન્ડીયા જેવું કશું હતું જ નહીં. સિન્ધુ નદીની આ પારના (પૂર્વ દીશાના) પ્રદેશને ઇન્ડીયા કહેવાતો. ઇન્ડીયા કદી એક દેશ હતો જ નહીં. ઈન્ડીયાને કશું કલ્ચર જ નથી. મુસ્લિમો કહે કે ઈન્ડીયા ને અમે કલ્ચર આપ્યું અને સુસંસ્કૃત બનાવ્યા. પાશ્ચાત્ય ઇતિહાસકારો કહે છે કે ઇન્ડીયાને એક દેશની ઓળખ અંગ્રેજોએ આપી.
 
 
હવે જો તમે પૂરાણો ઉથલાવશો તેમાંના ઘણા હિસ્સઓ પ્રાચીન પણ છે. અને દરેકમાં પૃથ્વીના પ્રદેશોના વર્ણનો આવે છે. જેમાં અનેક દ્વિપોના ઉલ્લેખ અને લાંબા અને ટૂંકા (લખાયા હોય ત્યારે લેખકની જેટલી જાણકારી હોય તે પ્રમાણે) વર્ણનો આવે છે. તેમાં એક જમ્બુદ્વિપનું વર્ણન પણ આવે છે. આ જમ્બુદ્વિપને આપણે ગ્રેટર ઈન્ડીયા તરીકે સમજી શકીએ. તેના એક હિસ્સાને ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ભારતવર્ષ એટલે આપણું અખંડ ભારત જેમાં કૈલાસ પણ આવી જાય.અફઘાનીસ્તાન, બ્રહ્મદેશ અને લંકા પણ આવી જાય. અને આ ભારતવર્ષનું એક વિશિષ્ઠ રીતે જ વર્ણન કરવામાં આવ્યું છે. તેને દેવોનો પ્રિય દેશ ગણવામાં આવ્યો છે. અને તેને 'જ્ઞાનરૂપી પ્રકાશનું કેન્દ્ર' એ રીતે ઓળખવામાં આવ્યો છે. (આજ રીતની ઓળખ મહમ્મદ પેગંબર સાહેબે "પૂર્વ નો પ્રકાશ" એ રીતે આપી છે. અને ચીનના ઇતિહાસમાં "પશ્ચિમ નો પ્રકાશ" એ રીતે થઇ છે)  ભારતવર્ષના ઘણા રાજાઓ વિશ્વ વિજયી હતા. જેમાં માંધાતા વિશેષ હતો. હવે જો દરેક પૂરાણોમાં આ તત્વ સામાન્ય હોય તો તેને નકારવું અતાર્કિક છે. ઈશ્વર કે ભગવાનનું આરોપણ કરી દીધું હોય એટલે બધું જ ખોટું ન થઇ જાય. ઈશ્વર, ભગવાન અને ચમત્કારોનું આરોપણ તો તેને રસપ્રદ બનાવવા માટે હોય છે. તેમાંથી ઇતિહાસ તારવવો એ ડાહ્યા માણસોનું કામ છે.
 ટૂંકમાં કહીએ તો ભારતની સંસ્કૃતિ એક છે. 
PLZ અંગત  સ્વાર્થ માટે દેશ નહીં તૂટે એવું કૈક કરો!

posted under , , |

2 comments:

KAMLESH said...

Excellent Article..

Keep it up..

Haresh kanani said...

આપે મારા બ્લોગની મુલાકાતલીધી તેબદલ આભાર
આપનો બ્લોગ ગમે છે .
આપનાતરફથી પ્રોત્સહન મલતુરહે એવી આશા. આપ્નો બ્લોગ ગ્મ્યો .
… બ્લોગ ખુબ જ સરસ છે.
અને
બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.

http://palji.wordpress.com
કવિતા વિશ્વ

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments