Straight from N_MO's Heart


પ્રિય મિત્રો,

મારા બ્લોગ ઉપર આપના પ્રતિસાદ ઉત્સાહવર્ધક છે. આપ સહુની નિરંતર વહેતી લાગણી માટે આભારી છું.

આ વખતે બ્લોગ લખવામાં થોડો વિલંબ થયો. જૂન મહિનામાં વરસાદ ખેંચાવાને કારણે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઇ. ખાસ્સો એક મહિનાનો વરસાદમાં વિલંબ એટલે જનજીવન ખોરવાઇ જાય. અર્થતંત્ર ખાડે જાય. ગામડૂં, ખેડૂત બધુંજ મુસીબતમાં આવી જાય.

પરંતુ મોડે મોડેથી વરસાદ આવ્યો.ખાસ્સી રાહ જોવડાવી, બરાબર કસોટી કરાવી મેઘરાજાએ પધરામણી કરી. ધરતી અને તન, મન, સઘળું લીલુંછમ થઇ ગયાં. ઉચાટ ગયો. હૈયે હરખ થયો.
મિત્રો, વરસાદનો આનંદ દરેકને હોય.મને પણ ગમે. પરંતુ બચપણની વરસાદી યાદ આપની સાથે વાગોળવાનું મન થાય છે.

હું નાનકડા ગામમાંથી આવું છું. વાવણી લાયક પહેલો વરસાદ થાય ત્યારે મારા પિતાજી પોસ્ટ ઓફિસેથી ૧૫૦-૨૦૦ પોસ્ટ કાર્ડ ખરીદી લાવે અને કલાકો સુધી બેસીને જાતે પત્રો લખે.પોતાના મિત્રો, સગા-સંબંધીઓ સહુને પત્ર લખે અને વરસાદના વધામણાના સમાચાર લખે.જાણે પરિવારનો કોઇ અવસર હોય ને લાગણીથી યાદ કરીને સહુને પત્ર લખીએ તેટલીજ લાગણીથી તેઓ વરસાદના વધામણાના પત્રો લખે.

નાનપણમાં મારા મનમાં ઘણાં પ્રશ્નો ઉઠતા.પિતાજી આટલા બધા કલાક શું કરવા પત્રો લખવા માટે મહેનત કરે છે.બધેજ વરસાદ થયો છે, છાપામાં પણ આવી ગયું છે.મનમાં પ્રશ્ન રહ્યા જ કરે.પરંતુ જેમ જેમ ઉંમર વધવા લાગી, ધંધા, રોજગાર, આર્થિક વ્યવહારો ખેડૂત, ખેતી, ગામડૂં, ગરીબ માનવી આ બધા જીવનો ઉપર વરસાદ જીવનદાતા હોય છે એ સમજાયું. મુખ્યમંત્રી બન્યા પછી તો બરાબર અનુભવાયું કે સમગ્ર અર્થતંત્રમાં ખેતી અને તેમાં વરસાદનું મહામૂલ્ય શું છે. ઘણી વાર કોઇ પૂછે કે ઈશ્વર અને વરસાદ બેમાંથી શું માંગો. હું કહીશ વરસાદ.કારણ વ્યવહાર જીવનમાં વરસાદ ઇશ્વરનો પ્રસાદ બની જીવનને જીવાડી જાય છે.મને હવે વધુ સમજાય છે કે મારા પિતાજીને વરસાદના વધામણાનો આવો ઉમળકો કેમ હતો.

મિત્રો, વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયું. અનેક ઐતહાસિક નિર્ણયો થયા. બધાની ચર્ચા નથી કરતો પરંતુ યુવકોને જાણવા જેવી બે બાબતો તરફ ધ્યાન દોરું છું.દુનિયામાં પેહલીવાર આપણે "ચિલ્ડ્રન યુનિવર્સિટી" બનાવવાનો નિર્ણય કર્યો છે. તે જ રીતે સમગ્ર ભારતમાં પેહલી વાર "રક્ષા શક્તિ યુનિવર્સિટી" જેને સામાન્ય માનવી પોલીસ યુનિવર્સિટી તરીકે ઓળખે તે મંજૂર કરી છે. આવનારી પેઢીઓ માટે તેની સારી અસરો થશે તેવી મારી શ્રદ્ધા છે.

ચાલો મિત્રો આજે આટલું જ.


તમને બધાને રક્ષાબંધન, જન્માષ્ટમીની શુભકામનાઓ.

From:

http://narendramodi.com

posted under , |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments