જીવીશ તો પણ ગુજરાત માટે, મરીશ તો પણ ગુજરાત માટે

ગાંધીનગર, તા.૨૮

આજે સાંજે પાંચ વાગે પૂરા થયેલા ચૂંટણી પ્રચાર પડઘમ પહેલા રાજ્યમાં ચાર સ્થળે જંગી જાહેરસભાઓ સંબોધતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસની કેન્દ્ર સરકારે બોફોર્સકાંડમાં ઓટ્ટાવિયો ક્વોટ્રોચીને સીબીઆઇના મોસ્ટ વોન્ટેડની યાદીમાંથી દૂર કરવાના નિર્ણય તેમજ ગોધરાકાંડ પછીના તોફાનોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની તપાસ કરવા માટે સીટને સૂચના આપી છે એ બન્ને મુદ્દાને વણી લઇને મોદીએ ચારેય ચૂંટણી સભાઓમાં કોંગ્રેસની દ્વેષવૃત્તિની આકરી ટીકા કરી હતી.

  • ‘મને ફાંસી આપજો, કારાવાસ નહીં જેથી ફરી માતૃભૂમિની સેવા માટે પુનર્જન્મ લઇ શકું’
  • ચાર સ્થળે સભાઓ ગજવતાં મોદી

આણંદ અને વિરમગામની જાહેરસભાઓમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,’બોફોર્સકાંડના આરોપી અને સોનિયા ગાંધીના સગા ક્વોટ્રોચીને ક્લીનચિટ આપવા કોંગ્રેસની કેન્દ્ર સરકાર નિર્ણય કરે છે, બીજી તરફ આ ચૂંટણીમાં કોંગ્રેસને પોતાની હારનો અંદેશો આવી જતાં ફટાફટ વિવાદી કેસોનો નિકાલ કરીને દંભી બિનસાંપ્રદાયિકોની જમાત સાથે હાથ મિલાવીને કેસો ઊભા કરી નરેન્દ્ર મોદીને જેલમાં પૂરવાનો કારસો રચી રહી છે. મોદીએ કહ્યું કે, ‘ભારત માતાની ભક્તિ માટે તેઓ કારાવાસ નહીં, ફાંસી માટે પણ તૈયાર છે. હું આતંકવાદ સામે ઝૂકવાનો નથી. કેન્દ્રના કોંગ્રેસી મંત્રી કપિલ સિબ્બલ પંદર દિવસથી મોદીને જેલમાં પૂરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, તેને મેં ગંભીરતાથી લીધું ન હતું, પરંતુ બે દિવસથી કહેવાતા બિનસાંપ્રદાયિકોની દંભી જમાત ભેગી થઇને ષડ્યંત્ર કરીને મોદીને જેલમાં પૂરવા માગે છે. તેઓ ભલે મને જેલમાં પૂરે. કોંગ્રેસ ગુજરાતનો વિકાસ સાંખી ન શકી એટલે સાત સાત વર્ષથી મોદીને જેલમાં પૂરવા આકાશ પાતાળ એક કરી રહી છે. બીજી તરફ બોફોર્સકાંડમાં સંડોવાયેલા એક વિદેશી ક્વોટ્રોચીને સોનિયા ગાંધીના સગા હોવાના કારણે સીબીઆઇ દ્વારા છોડી મૂકાય છે ત્યારે નરેન્દ્ર મોદીને જેલમાં પૂરવાની તૈયારી કેમ ? આ ષડ્યંત્રનો ફેંસલો જનતા જનાર્દન લોકશાહીના માર્ગે નિર્ણય લઇને કરે.

‘કોંગ્રેસે મોદી સામે લગાતાર આક્ષેપોનું તોફાન ઊભું કર્યું છે, પણ કોઇ કરતાં કોઇ રીતે મોદી સામે પાંચ વર્ષના કેન્દ્રના શાસનમાં પગલાં લઇ શક્યા નથી. હું તો જેલમાં રહીને પણ આતંકવાદ સામે લડવાનો છું, ઝૂકવાનો કે રોકાવાનો નથી.’ તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વિરમગામની સભામાં એવું કહ્યું કે, આગામી ત્રણેક મહિનામાં મને આ લોકો જેલ ભેગો કરે તો મારી આ છેલ્લી સભા ગણીને મને આશીર્વાદ આપજો. હું કારાવાસને બદલે ફાંસી પર ચઢવાનંુ વધારે પસંદ કરીશ. જેથી તુરંત જ પુનર્જન્મ લઇને માતૃભૂમિની સેવા કરી શકું. હું જીવીશ તો પણ ગુજરાત માટે, મરીશ તો પણ ગુજરાત માટે એમ ભાવાત્મક શબ્દોમાં કોંગ્રેસની દ્વેષવૃત્તિને પડકારતાં મોદીએ જણાવ્યું હતું.

posted under |

0 comments:

Newer Post Older Post Home
© Rakesh Patel NvndsR. Powered by Blogger.

Followers


Recent Comments